ગુજરાતના ગૌરવ સમા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે અને હાલમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 650ને પાર પહોંચી ગઈ છે એટલે કે 2015માં થયેલી વસ્તીગણતરીમાં નોંધાયેલા સિંહો કરતાં અત્યારે 127 જેટલા સિંહ વધ્યા છે. સેન્કચ્યુઅરીની બહાર અમરેલી, ભાવનગર, જુનાગઢ, શેત્રુંજય જેવા રેવન્યુ વિસ્તારમાં જે સિંહો છે એનું મોનીટરીંગ કરવું જરૂરી જણાતાં ગુજરાત સરકાર રેડીયો કોલર મંગાવીને સિંહોની મુવમેન્ટ પર વોચ રાખી રહી છે.
ગુજરાતના વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે ‘સિંહોની સંખ્યા 650થી વધુ થઈ છે. સેન્કચ્યુઅરી વિસ્તાર ઉપરાંત શેત્રુંજય, ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ જેવા રેવન્યુ એરિયામાં સિંહનો વસવાટ છે એવા સેન્કચ્યુઅરીની બહાર રેવન્યુ એરિયામાં નીકળી ગયેલા સિંહોનું મોનીટરીંગ કરવું જરૂરી છે. તેમને માટે ખાસ રેડિયો કોલર માંગવામાં છે. સિંહ કયાં ફરે છે એની જાણકારી માટે સરકાર દ્વારા હાલમાં 70 જેટલા રેડિયો કોલર જર્મનીથી મંગાવવામાં આવ્યા છે અને એ સિંહોને પહેરાવ્યાં છે. 2015માં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 થઈ હતી. આ અગાઉ 2010માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 411 હતી. 2010ની સરખામણીએ 2015માં સિંહોની સંખ્યામાં 27 ટકાનો વધારો થયો હતો. 2015માં સાસણ ગીરમાં થયેલી વસ્તીગણતરીમાં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે.