ગુજરાતના કંડલા પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કંડલા રિફાઇનરી પાસે ઈન્ડિયન મોલાસીસ કંપની (IMC)ના મિથેનોલ ભરેલાં સ્ટોરેજ ટેન્કમાં સોમવાર બપોરના સમયે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગતાં ચાર મજૂરોના મોત નિપજ્યાં છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મજૂરોની ડેડબોડી ઉછળીને અડધો કિલોમીટરની ત્રિજ્યામાં ફંગોળાઈ ગયાં હતા. એક કામદારનો મૃતદેહ દિવાલ કૂદી છેક દરીયાની ખાડી નજીક ફંગોળાઈ ગયો હતો.
ગુજરાતના કંડલા પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કંડલા રિફાઇનરી પાસે રસાયણીક ભંડારની ટેન્કોના એક ગોડાઉનમાં વિસ્ફોટ થતા ચાર લોકોના મોત થયા છે, જ્યારે ચાર મજૂર ગુમ થયા છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા.
આ આગ આશરે 1 વાગીને 45 મિનિટ પર લાગી હતી. ઘટના સમયે ટેન્કમાં 2,000 મેટ્રિક ટન મિથોનોલ હતું. જાણકારી અનુસાર, વિસ્ફોટ થતા જ અફરા તફરી મચી ગઇ હતી. ચોતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખતા કંડલા પોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા રહે છે. તેમ છતા નજીક વિસ્ફોટ થતા સુરક્ષા એજન્સીઓ ચોકી ગઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં IMC કંપનીનો એક કર્મચારી અને ભુપેન્દ્ર એન્ડ કંપનીના 3 મજૂરો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં સંજય ઓમકાર વાઘ (ઉ.વ.50 રહે. કિડાણા સોસાયટી, ગાંધીધામ IMC કંપનીનો કર્મચારી), સંજય સરજુ શાહૂ (ઉ.વ.29, રહે. કાર્ગો ઝુંપડા, ગાંધીધામ), દર્શન વૈજનાથ રાય (ઉ.વ.35, રહે. કાર્ગો ઝુંપડા, ગાંધીધામ) અને ઓમપ્રકાશ મોહનલાલ રેગર (ઉ.વ.44, રહે. રેલવે ઝુંપડા, રીષી શિપીંગ હાઉસ પાસે, ગાંધીધામ)નો સમાવેશ થાય છે. મિથેનોલ ભરેલાં જે સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી તેમાં સમારકામ માટે કેટલાક મજૂરો ટાંકી પર ચઢ્યા હતા. સમારકામની કામગીરી દરમિયાન કોઈ તણખો ઉત્પન્ન થતાં અથવા તો ઘર્ષણના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે.
કંડલા દિનદયાળ પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે જે સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી તેમાં 1800 મેટ્રિક ટન આયાતી મિથેનોલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે એક સ્ટોરેજ ટેન્કમાં 3થી સાડા 3 હજાર મેટ્રિક ટન સુધી મિથેનોલનો સંગ્રહ થઈ શકે છે. દુર્ઘટના બાદ કંડલા પોર્ટ, ટિમ્બર એસોસિએશન, કેસર સ્ટોરેજ ફાર્મ અને IMC કંપનીના અલગ અલગ મળી અંદાજે પંદરેક જેટલાં ફાયર ટેન્ડર આગ ઓલવવા અને દુર્ઘટનાગ્રસ્ત સ્ટોરેજ ટેન્ક તેમજ આસપાસની ટેન્કને ઠંડી રાખવા દોડી ગયાં હતા.
પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ ઉમેર્યું કે ડ્રોન દ્વારા આગગ્રસ્ત ટાંકાની અંદર નીરિક્ષણ કરાયું છે. વિશેષ કેમિકલ ફૉમ અને પાણીના સતત મારાના લીધે આગ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે પરંતુ ટાંકાની અંદર જ્યાં સુધી મિથેનોલનો જથ્થો સંપૂર્ણપણે બળી ના જાય ત્યાં સુધી અંદર આગ ભભૂકતી રહેશે. તેથી આ ટાંકાની અંદર અને બહાર સતત પાણી-ફૉમનો છંટકાવ કરતા રહેવું પડશે. આગની દુર્ઘટનાના કારણે સ્ટોરેજ ટેન્ક ફાર્મની તમામ ગતિવિધિ ઠપ્પ થઈ ગઈ હતી.