ધ્રોલ નજીક કારચાલકે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઇ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. શુક્રવારે વહેલી સવારે 5.30થી 6.30 વાગ્યાની આસપાસ એક ઇકો કાર જે જામજોધપુરના જીણાવાડી ગામથી નીકળી જામનગરથી રાજકોટ તરફ આવી રહી હતી. આ દરમિયાન ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર કેનાલમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં ઇકો કારમાં સવાર ચાર મુસાફરોનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઇકો કારમાં ડ્રાઇવર તરીકે હરેશભાઇ ડ્રાઇવીંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોચતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે હાઇવે ઉપર ટ્રાફીકજામ સર્જાયો હતો. જીણાવાડી ગામના સગ પરીવારના ચાર વ્યક્તિના એકસાથે માર્ગ અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી સાથે શોકની લાગણી છવાઇ ગઇ છે.
મળતી માહિતી અનુસાર જામજોધપુર તાલુકાના જીણાવાડી ગામે રહેતા ટપુભાઇ કાનાભાઇ કારેણા, નારણભાઇ કરશનભાઇ, હરેશભાઇ અરજણભાઇ અને રસીકભાઇ ભીમાભાઇ સહિત પાંચ વ્યક્તિ જીણાવાડી ગામેથી જીજે-10-ટીવી-8517 નંબરની ઇકો કાર લઇ રાજકોટ હોસ્પીટલમાં સારવાર માટે આવતા હતા. આ દરમિયાન વહેલી સવારે ધ્રોલ નજીક પહોંચતા ઇકો કારના ચાલકે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કેનાલમાં ખાબકી હતી. કાર અકસ્માતમાં ઘવાયેલા ટપુભાઇ કાનાભાઇ કારેણા (ઉ.વ.45), નારણભાઇ કરશનભાઇ (ઉ.વ.45), હરેશભાઇ અરજણભાઇ કળથીયા (ઉ.વ.28) અને રસિકભાઇ ભીમાભાઇ કદાવલા (ઉ.વ.35)ને ગંભીર ઇજા પહોચતા તેમને સારવાર મળે તે પૂર્વે જ ચારેય વ્યક્તિએ ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.
જ્યારે ધીરૂ ભીમા કદાવલાને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે જામનગર-રાજકોટ હાઇવે ઉપર ટ્રાફીક જામ સર્જાયો હતો. આ બનાવ અંગે જાણ થતા જામનગરની 108 ની ટીમ ધ્રોલ પોલીસને જાણ થતા પીએસઆઇ કાંધેલીયા અને વિક્રમભાઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મૃતકોના પરિવારજનોને બનાવની જાણ કરીને બોલાવાવમાં આવ્યા હતા. બે મૃતકો એક કુટુંબના હોવાનું તેમજ એક મૃતકની સાથે સારવાર માટે બાટલો પણ ફીટ કર્યો હોય તેઓ રાજકોટ હોસ્પિટલે સારવાર માટે આવતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોચી અકસ્માતની સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હાઇવે પર સર્જાયેલા ટ્રાફિક પર કાબૂ મેળવી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય વ્યક્તિઓના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા હતા. આ અંગે ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીણાવાડી ગામના એકસાથે ચાર વ્યક્તિના મોત નિપજતા નાના એવા ગામમાં શોકની લાગણી સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.