દિવાળી ટાણે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (17:41 IST)
દિવાળી ટાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યના કેટલાક પંથકોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની વચ્ચે વરસાદે ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે.

દરમિયાન રાજ્યના પોરબંદર, રાજુલા, દિવ પંથક અને સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે.પોરબંદરના માધુપુરમાં માવઠું પડ્યું છે. માધવપુરમાં વરસેલા કમોસમી વરસાથી બજારોમાં પાણી ફરી વળ્યા છે. ધીમી ધારે પડેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી રાજુલા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. રાજુલાથી સાવરકુંડલા વચ્ચે આંબરડી અને ધારીના દલખાણિયા ગામે વરસાદ વરસતાં ખેડૂતોને મોટું નુકશાન જવાની શક્યતા છે.ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ માવઠુ પડ્યું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે મગફળીને નુકશાન થવાની ભીતી છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.સુરત શહેરમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી ઘેરાયેલા વાદળો બપોરે વરસી ગયા છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતીને નુકશાન જવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર

Next Article