ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા હોવાની ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે, અમદાવાદમાં બે, વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ પહેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં કેટલાક પોઝિટિવ કેસ હોવાની આશંકા છે. અમદાવાદ-વડોદરામાં ત્રણ કેસ કોરોના શંકાસ્પદ છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે જયંતિ રવિ જણાવ્યું છેકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી. આ તમામ અસરગ્રસ્તો વિદેશથી આવેલા છે. આ તમામ દર્દીની ઉમર 36 વર્ષથી વધુ નથી. 150 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હજુ 22ના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે 123ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિદેશમાંથી 555 મુસાફરો આવ્યા છે. જેમાંથી 68 ઓબ્ઝર્વેશન હેઠળ છે અને 492 લોકો હોમ કોરોન્ટાઇનમાં છે. જે લોકો શંકાસ્પદ હશે તેમને સ્ટેમ્પ મારવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ગઇકાલથી બહાર આવ્યા છે તેમનું ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવશે. સ્પેનથી વડોદરા પરત ફરેલા યુવાનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય યુવાન તાજેતરમાં જ સ્પેન ગયો હતો. જ્યાં તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા વડોદરા પરત આવી ગયો હતો. અને મંગળવારે મોડી રાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો.