બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભારત પાકિસ્તાનને પછાડીને ચેમ્પિયન બન્યું,ગુજરાતનો કેતન પટેલ મેન ઓફ ધ સિરિઝ

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:00 IST)
ભારતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ જબરજસ્ત પર્ફોમન્સને સહારે ફાઈનલમાં પાકિસ્તાનને નવ વિકેટથી કચડીને ઘરઆંગણે યોજાયેલો ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. પ્રકાશ જયારામૈયાહના અણનમ ૯૯ રનની મદદથી ભારતની પ્રજ્ઞાચક્ષુ ટીમે જીતવા માટેના ૧૯૮ના પડકારને ૧૭.૪ ઓવરમાં માત્ર એક જ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે ભારતે ગુ્રપ સ્ટેજમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો. ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર કેતન પટેલને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૨માં રમાયેલા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયનશીપ જીતી હતી.  બેંગાલુરુના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાને બાબર મુનીરના ૫૭ની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૭ રન કર્યા હતા. જ્યારે ભારત તરફથી કેતન પટેલે ૨૯ રનમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ જાફરને ૩૩ રનમાં બે વિકેટ મળી હતી. જવાબમાં ભારત તરફથી જયારામૈયાહે ૬૦ બોલમાં ૧૫ ચોગ્ગા સાથે અણનમ ૯૯ રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ ૪૩, કેતન પટેલે ( રિટાયર્ડ હર્ટ) ૨૬ અને ડી.વેંકટેશે અણનમ ૧૧ રન કર્યા હતા. પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોના વર્લ્ડ કપમાં ગુ્રપ સ્ટેજમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. પાકિસ્તાન તેની તમામે મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે ભારતે પાકિસ્તાન સામેની હારને બાદ કરતાં બાંગ્લાદેશ, વિન્ડિઝ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા,ન્યૂઝિલેન્ડ અને નેપાળને હરાવ્યા હતા. ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે ગુ્રપ સ્ટેજમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો.  ભારતે ૧૩ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ બેંગ્લોરમાં જ રમાયેલી પ્રજ્ઞાચક્ષુઓના સૌપ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. યોગાનુયોગ તે સમયે ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને જ હરાવ્યું હતુ. ભારતે ૨૫૮ રનનો જંગી સ્કોર ખડક્યો હતો, જવાબમા પાકિસ્તાન ૮ વિકેટે ૨૨૯ રન કરી શક્યું હતુ. બ્લાઇન્ડ ટી-૨૦ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે મળેલી જીતના પગલે પુરા ભારતમાં ખુશીનો માહોલ છે ત્યારે વલસાડ ધરમપુરમાં આ ખુશીનો માહોલ બેવડો થયો છે, કારણ કે આ વર્લ્ડકપ ફાઇનલમાં ગુજરાત તરફથી રમતા બે ખેલાડીઓ વલસાડ ધરમપુરના હતા. બેંગાલુરૃનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઉપર રમાયેલી બ્લાઇન્ડ ટી-૨૦ વર્લ્ડકપ ફાયનલમાં ભારતની ટીમમાં રમતા બે ખેલાડી પૈકી વલસાડના ફલધરા ગામનો કેતન પટેલ અને ધરમપુર તાલુકાના ઉંડાણના રાજપુરી જંગલગામનો ગણેશ મહોડકરે પણ હતા. મેચમાં પાકિસ્તાને ૯ વિકેટે ૧૯૭ રન બનાવ્યા હતા, જેની સામે ભારત તરફથી વાઇસ કેપ્ટન જયરામીહનાં ૯૯ રન તથા કેપ્ટન અજયકુમાર રેડ્ડીએ ૪૩ રન માર્યા હતા. બાદમાં વલસાડના ફલધરાનાં કેતન પટેલે બાજી સંભાળી ૨૬ રન માર્યા હતા અને બોલીંગમાં બે વિકેટ પણ ઝડપી હતી. ધરમપુર તાલુકાનાં રાજપુરી જંગલના ગણેશ મહોડકરનો દાવ જ આવ્યો ન હતો.
Next Article