વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડા શરૂ થતાં વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં વહેલી સવારથી જ વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગની ટીમો દ્ધારા વોર્ડ વિઝાર્ડના CMD યતીન ગુપ્તેના નિવાસ સહિત તેમની કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વોર્ડ વિઝાર્ડ કંપનીના CMD યતીન ગુપ્તેના ભાયલી સ્થિત નિવાસસ્થાન સહીત આજવા સયાજીપુરામાં આવેલી કંપની, મકરપુરામાં આવેલી કંપની, વડસર અને હરિનગરમાં આવેલ હોસ્પિટલો સહિત અનેક સ્થાને આવકવેરા વિભાગે દરોડા પડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.વોર્ડ વિઝાર્ડ કંપની જોય બ્રાન્ડથી બેટરી સંચાલિત ટુવ્હીલર બનાવતી કંપની છે. વોર્ડ વિઝાર્ડ કંપનીના CMD યતીન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ યતીન ગુપ્તેના નિવાસસ્થાને અને કંપની પર અનેકવાર આવી ચૂક્યા છે.હાલમાં આવક વેરા વિભાગ દ્વારા કંપનીના વિવિધ ઠેકાણે કાર્યવાહી ચાલી રહી છે. જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગએ સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડાની કામગીરી શરૂ કરી છે અને કંપનીના દસ્તાવેજો અને બેન્ક એકાઉન્ટ સહિતની વિગતોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા પાયે કાળું નાણું પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.