અમદાવાદમાં ઈન્કમટેક્સના દરોડાઃ બિલ્ડરો પર તવાઈ, 40 જેટલા સ્થળો પર તપાસ

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (12:46 IST)
અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ હાથ ધરાઈ છે. તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડો પડ્યો છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.

એક અઠવાડિયા પછી ઇન્કમટેક્સ વિભાગે ફરી એક વખત બિલ્ડર ગ્રૂપને નિશાને લેતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત અને રાજકોટમાં ઝવેરીઓ અને સોફ્ટવેર ડેવલોપરને ત્યાં દરોડાની કામગીરીને હજુ એક અઠવાડિયું થયું નથી ત્યાં ફરી અમદાવાદના જાણીતા સ્વાતિ બિલ્ડર ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલા મહેશ રાજ કેમિકલ ગ્રુપ પર આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગની સમગ્ર રાજ્યમાંથી બોલાવાયેલી ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.સ્વાતિ બિલ્ડકોન ગ્રુપની ઓફિસ તેમજ તેના નિવાસસ્થાન સહિત તેના સાથે કનેક્શન ધરાવતા મહેશ રાજ કેમિકલ ગ્રુપની ઓફિસ અને બંગલા ખાતે મળી 40 જેટલા સ્થળ પર તપાસ હાથ ધરી છે.આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યુ છે. આ સાથે જ શહેરના 35થી 40 સ્થળો પર દરોડા અને સર્વેનું ઓપરેશન ઇન્કમટેક્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર