વડોદરામાં પ્રેમિકા સાથે લગ્ન કરવા આઈટી ઈન્સપેક્ટરે પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું

Webdunia
સોમવાર, 23 એપ્રિલ 2018 (12:11 IST)
વડોદરા ઇન્કમટેક્સના ઇન્સ્પેક્ટરે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે મિત્ર સાથે મળી તેની પત્નીનું ગળુ દબાવુ઼ં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હત્યા બાદ લાશ ઘર પાછળના બગીચામાં સાડા પાંચ ફૂટ ઉંડો ખાડો ખોદી દાટી દીધી હતી. હત્યારા લોકેશકુમારે કહ્યું હતુ કે, મારે બીજી યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવા હતાં. એટલે મારી પત્નીની હત્યાનો પ્લાન કર્યો હતો. ખાતર માટે ખાડો કરવો છે તેમ કહી મજૂરોને બોલાવી બે દિવસ પહેલા જ સાડા પાંચ ફૂટ ઉંડો ખાડો ખોદાવી દીધો હતો.

હું તકલીફમાં આવી ગયો છું એટલે તું કોઇને પણ કહ્યા વગર મારી પાસે વડોદરા આવી જા તેમ કહી મેં પત્ની મુનેશને 11મીએ વડોદરા બોલાવી લીધી હતી. મુનેશના પિતા જયપુરના ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરવા ગયા તો પતિ લોકેશના પિતા બિજેન્દ્રસિંહે પહેલા જ ગુમની ફરિયાદ કરી દીધી હતી જ્યારે લોકેશ 13મીએ જયપુર ગયો હતો. મુનેશના પરિવારજનોએ લોકેશનો મોબાઇલ ચેક કરાવવાનું કહ્યું તો તેણે શરૂઆતમાં ઇનકાર કરી મોબાઇલ ફોર્મટ કરી દીધો હતો પરંતુ તેણે મુનેશના સ્વજનો સાથે શોધખોળ ચાલુ રાખી હતી.

દરમિયાન ગાંધીનગર પોલીસના એએસપી કવેન્દ્રસિંહ સાગરે મોબાઇલ કોલ ડીટેઇલ મેળવી તો મુનેશે 11મીએ રાત્રે 8 વાગે છેલ્લો કોલ લોકેશને કર્યો હતો. આ ઉપરાંત લોકેશ રાત્રે રાત્રે તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે ઘનિષ્ઠ પૂછતાછ કરતાં તે પડી ભાંગ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article