વડોદરા બેંક ફ્રોડ - હું અમિત ભટનાગરને વ્યક્તિગત રીતે ઓળખતો પણ નથી: નીતિન પટેલ
શનિવાર, 7 એપ્રિલ 2018 (16:34 IST)
વડોદરા શહેર નજીક આવેલા વડોદરા તાલુકાના મહાપુરા ગામ સ્થિત પ્રાથમિક શાળામાં આયોજીત ગુણોત્સવ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હાજરી આપી હતી. ગુણોત્સવના આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત માહિતી મેળવી હતી. કાર્યક્રમ બાદ વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરના ભાજપ કનેક્શન અને 2600 કરોડના બેન્ક કૌભાંડ ફરાર થઇ ગયેલા અમિત ભટનાગરને ભાજપા દ્વારા વડોદરા સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે. તે મામલે નીતિન પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા જેવા સારાકામમાં કોઇ પણ જોડાઇ શકે છે. જે તે સમયે અમિત ભટનાગરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા ત્યારે તેઓ વિશે માહિતી પક્ષ પાસે હોય નહીં. આથી પક્ષને દોષી માની શકાય નહીં. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે, હું અમિત ભટનાગરને વ્યક્તિગત રીતે ઓળખતો પણ નથી. સી.બી.આઇ. દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે કાર્યવાહી સી.બી.આઇ. કરશે અને સરકાર કોઇ આવા કૌંભાડીઓને છોડશે નહીં. જોકે સૌ કોઇ ઉદ્યોગપતિ અમિત ભટનાગર સૌરભ પટેલના સૌથી નિકટના ગણાતા હતા અને વડોદરા બેઠક પર સૌરભ પટેલને સાથે રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ અમીત ભટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આવા સમયે બેન્ક કૌભાંડ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રીતસરના હાથ ખંખેરી નાખતા જવાબો આપ્યા હતા.