વડોદરા શહેર પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને પકડી પાડવા માટે અભિયાન છેડ્યું છે. છેલ્લા 5 દિવસમાં 11 જેટલા રોડ રોમિયોને શી ટીમે ઝડપી પાડ્યા છે.
વડોદરામાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી કરતા અસામાજીક તત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ દ્વારા ખાનગી વેશમાં હાજર રહી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે મહિલા પોલીસ સાદાવેશમાં પસાર થતી હતી ત્યારે એક ટપોરીએ તેને જ હાથથી અભદ્ર ઇશારો કર્યો અને પકડાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ કરવામાં આવી છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર નવાપુરા પોલીસ સ્ટેશનની શી ટીમ સાદાવેશમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન કહાર મહોલ્લાના નાકા પાસે ઇરફાન ઉર્ફે રાજા અજીજખાન પઠાણ (રહે. નવાપુરા મુસ્લીમ મહોલ્લો, વડોદરા) નામના શખ્સે સાદાડ્રેશમાં પસાર થઇ રહેલી ત્રણ મહિલા કોન્સ્ટેબલને હાથથી અભદ્ર ઇશારો કર્યો હતો. આ ઇશારો કરતા જ આરોપી ઇરફાન કંઇ સમજે તે પહેલા તો મહિલા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો અને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ મહારાજા ચાર રસ્તા પાસે સાંજના સમયે ફકીરમહમંદ ઘોરી (રહે. ઝમઝમ પાર્ક, ફૈઝ સ્કૂલ પાસે, તાંદલજા, વડોદરા) અને અકીબ મુસ્તાકભાઇ પટેલ (રહે. અલીફનગર-2, મરિયમ કોમ્પલેક્ષ સામે, તાંદલજા, વડોદરા) આવતી જતી મહિલાઓને બિભત્સ ચેનચાળા કરતા હતાં. આ દરમિયાન મહિલા પોલીસકર્મીઓએ બંનેને ઝડપી લીધા હતા. વડોદરામાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ પોલીસે બે દિવસ પહેલા ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અવાવરા રસ્તા પર જતી યુવતીઓને સીટી મારી હેરાન કરવાની અને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદો પાણીગેટ પોલીસને મળી હતી. પાણીગેટ પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં ત્રણ દિવસની મહેનત બાદ બાઇક પર આવેલા ત્રણ રોડ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પોલીસે છેડતી કરતા રોડ રોમિયો પાસે રીક્રિએશન કરાવ્યુ હતું.
વડોદરા શહેરના એમ.એસ.યુનિવર્સિટીના ગેટની બાજુમાં સિટી બસ સ્ટેશન પાસે આવતી-જતી છોકરીઓને બીભત્સ ચેનચાળા કરતા બે ટપોરીઓને બુધવારે સયાજીગંજ પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શહેરમાં SHE ટીમ દ્વારા જાહેરમાં છેડતી કરતા 5 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતાં.