વડોદરામાં સામાજિક કાર્યકરે 'બાબા રામદેવ'નો વેશ ધારણ કરી કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી

Webdunia
સોમવાર, 14 જૂન 2021 (19:27 IST)
વડોદરા શહેરના સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી હતી. અત્રે નોંધનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે, ત્યારે જાગૃત નાગરિકે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે છે, પરંતુ, કેન્દ્ર સરકાર સરકારી તિજોરીમાં આવક ઊભી કરવા માટે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં મોટાભાગની ચીજવસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.આ પરિસ્થિતિનો આર્થિક બોજો ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે. તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કપરી બની છે. કોરોનાકાળમાં વેપાર-ધંધા ખોરવાતા નાગરિકો લાચાર બન્યા છે અને પડતા પર પાટુ સમાન રાંધણગેસના બોટલના ભાવ પણ ચિંતાજનક વધ્યા છે. હાલ રાંધણ ગેસનો બોટલ રૂપિયા 850 સુધી પહોંચી ગયો છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના બોટલના ભાવમાં હજુ ઘટાડો નોંધાયો નથી. તો બીજી તરફ કપાસિયા તેમજ સિંગતેલના ભાવ પણ બમણા થઈ ગયા છે.અગાઉ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો પેટ્રોલ-ડીઝલ 40 રૂપિયે લીટર તેમજ રાંધણ ગેસ 400 રૂપિયામાં મળશે, ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવની વેશભૂષામાં પોસ્ટર, તેલનો ડબ્બો અને રાંધણ ગેસના બોટલ સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. આ સાયકલ યાત્રા ગાંધીનગર ગૃહથી ભગતસિંહ ચોક થઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.

સંબંધિત સમાચાર

Next Article