સુરતના પાંડેસરા નજીકના વડોદ ગામ ખાતે ગણેશનગરમાં અજંતા માર્કેટની દુકાનોની આગળનો છતનો ભાગ પડ્યો હતો. જેથી પાંચને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને આઠ લોકોને બચાવવામાં આવ્યાં હતાં. જ્યારે હાલ પણ ફાયરબ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ખરીદી કરનારા પર છત પડી
શુક્રવારે રાત્રે પાંડેસરા ખાતેના ગણેશનગર વિસ્તારમાં મકાન પડી ગયા કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેને પગલે ભેસ્તાન, મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહિંની અજંતા માર્કેટની દુકાનોમાં લોકો ખરીદી કરી રહ્યાં હતા. ત્યારે નવેક વાગ્યાના અરસામાં છથી સાત દુકાનોના આગળનો છતનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો.
એકનું મોત નીપજ્યું
જેને લીધે ત્યાં હાજર પ્રભાત રામનારાયણ પ્રજાપતિ (ઉં.વ.33, રહે. આર્શિવાદનગર, પાંડેસરા), સચિન મોર્યા (ઉં.વ.22), આલોક મુન્સીલાલ યાદવ (ઉં.વ.22), શોભાન મુન્સીલાલ યાદવ (ઉં.વ.20) અને દિપેન્દ્ર મુન્સીલાલ યાદવ (ઉં.વ.16, ચારેય રહે. ગણેશનગર, પાંડેસરા)ને ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જે પૈકી સારવાર દરમિયાન આલોક યાદવનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સારવાર હેઠળ છે.
આઠને રેસ્ક્યૂ કરાયાં
ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢએ જણાવ્યું હતું કે, અજંતા માર્કેટમાં નીચે દુકાન અને ઉપરના માળે મકાન આવ્યાં છે. આ ઘટના બન્યાં બાદ મકાનમાં ફસાયેલા આઠ લોકોને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.