જીયાણા ગામે અજાણ્યા શખસે રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગાવી નાખી હતી. મનોકામના પૂરી ન થતાં એક શખ્સ મંદિરો સળગાવી નાખ્યાં અને મૂર્તિઓમાં ભારે તોડફોડ મચાવી હતી.આ ઘટનાને પગલે ધાર્મિક લાગણી દુભાતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે તાલુકા પંચાયતના સદસ્યએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં માજી સરપંચ અરવિંદ સરવૈયાએ મંદિરોમાં આગ લગાડી હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરાઈ હતી.
રામાપીરના મંદિરની અંદર ટાયર સળગાવી મૂર્તિ નષ્ટ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા અને ખેતીકામ સાથે પંચાયતમાં સદસ્ય તરીકે સેવા આપતા કાનજીભાઈ સવશીભાઈ મેઘાણી નામના વૃદ્ધે અજાણ્યા શખસ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામના લક્ષ્મણભાઈ રામાણીએ ફોન કરી ગામ અને સીમમાં આવેલ મંદિરમાં આગ લગાડેલી છે તેવું જણાવતા ગ્રામજનો સાથે સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં જોતા પાદરમાં આવેલ રામાપીરના મંદિરની અંદર ટાયર સળગાવી મૂર્તિ નષ્ટ કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. તેમજ સીમમાં આવેલ બંગલાવાળી મેલડી માતાજીના મંદિરમાં પણ લાકડા સળગાવી છબી સળગાવી નાખ્યાનું જાણવા મળ્યું હતું.આ ઉપરાંત વાસંગીદાદાના મંદિરમાં તાળું માર્યું હોવાથી મંદિર બહાર કપડાના ઢગલામાં આગ લગાડી કપડા સળગાવ્યા હોવાનું જોવા મળ્યું હતું.
પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અજાણ્યા શખસની હરકતથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાનું નામ ખુલતા તેને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પૂર્વ સરપંચે ખૂબ પૂજા પાઠ કર્યા પણ સ્થિતિ ન સુધરતા આ દુષ્કૃત્ય આચર્યું હોવાનું રટણ પોલીસ સમક્ષ કર્યું હતું. જેમાં પોતે રામાપીરના મંદિરે, બંગલાવાળી મેલડી માતાજીના મંદિરે અને વાસંગીદાદાના મંદિરમાં આગ લગાડી હોવાની કબૂલાત કરી હતી. હાલ એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.