જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં ગઈકાલે એક વીજ થાંભલો ભારે પવનના કારણે તૂટી પડ્યો હતો, અને દાદા પૌત્રને તૂટી પડેલા વિજથાંભલાના કારણે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં રહેતા દેવાભાઈ જમોડ કે જેઓ ગઈકાલે બપોરે પોતાના ગામના ભરડીયા પાસે ઉભા હતા, અને તેમનો પૌત્ર રોનક જમોડ કે જે પણ દાદાની સાથે ઉભો હતો.
દરમિયાન ભારે પવનના કારણે એકાએક એક વીજ પોલ ભાંગી પડ્યો હતો. જેમાં દાદા પૌત્ર બંનેને ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં દાદા દેવાભાઈ જમોડને માથાના ભાગે ઇજા થઈ હોવાથી આઠ ટાંકા લેવા પડ્યા છે. જોકે તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. ઉપરાંત તેના પુત્ર રોનક કે જેને વધુ ઇજા થઈ હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થવાથી વિજવતંત્ર ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે.