પોલીસના ગ્રેડ પેનો મામલો, પોલીસ પરિવારો સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (17:13 IST)
પોલીસના ગ્રેડ પેનો મામલો સમગ્ર ગુજરાતમાં સળગી રહ્યો છે. રાજ્ય સરકાર પોલીસના પ્રશ્નોને લઇને એકશનમાં આવી ગઈ છે. પોલીસ કર્મી તેમજ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારો સાથે બેઠક કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા CM નિવાસસ્થાને પહોંચ્યા છે. રાજ્ય પોલીસવડા પણ CM નિવાસસ્થાને પહોંચ્યા છે ત્યારે પોલીસના પ્રશ્નોને લઇ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી સરકાર તરફથી આજે કમિટીનું ગઠન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલમાં પોલીસ આંદોલનના મામલે ગૃહ રાજ્ય મંત્રી, ડીજીપી અને પોલીસ પરિવાર વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક મળી હતી, જે પૂર્ણ થયા બાદ આંદોલનકારી પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, સરકારે બે મહિનામાં માંગણી સંતોષવા ની ખાતરી આપી છે એટલે હવે આપણે પણ રાહ જોઈએ અને આપણે સૌ ઘેર જઈએ. દરમિયાન સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આંદોલનકારીઓ સાથેની ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ આ મામલો મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે અને તે પછી નિર્ણય લેવામાં આવી શકે છે.
 
 ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગ્રેડ પેની માંગને લઈને વિરોધ કરી રહ્યા હતા. પરંતુ જે પોલીસ માટે વિરોધ શરૂ કર્યો હતો તે પોલીસે જ વિરોધ પ્રદર્શન લાંબુ ચાલે નહીં તે માટે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે NSUIના આગેવાન દિગ્વિજય દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય ભરમાં અત્યારે ગુજરાત પોલીસ માટે ગ્રેડ પેની માંગણી થઈ રહી છે જેથી અમે પણ પોલીસ માટે માંગ કરી રહ્યા છીએ.સરકાર દ્વારા ગ્રેડ પેનું આંદોલન તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમે આંદોલન નહીં તૂટવા દઈએ. સરકાર આંદોલન કરનાર સામે કાર્યવાહી કરશે તો અમે સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન કરીશું.

સંબંધિત સમાચાર

Next Article