નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીલમબેને ચાલુ નોકરીએ અન્ન-જળનો ત્યાગ કર્યો
ગુજરાત પોલીસના ગ્રેડ પે વધારવા માટે પોલીસકર્મીઓ દ્વારા હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા સાથે હવે સોમવારથી કેટલાક પોલીસકર્મીઓ જાહેરમાં આવીને ગ્રેડ પે વધારવા માંગણી કરી રહ્યા છે. સોમવારે બપોરે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિક પંડ્યા વિધાનસભા ખાતે ધરણા પર બેઠા હતા. જ્યારે આજે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણા પર બેઠા છે.
ગાંધીનગરમાં ગ્રેડ પે વધારવા મામલે પ્રદર્શન કરી રહેલી પોલીસના સમર્થનમાં કરણીસેના પણ આવી છે. કરણીસેના રાજ્યના ગૃહમંત્રીને મળીને આ ગ્રેડ પે વધારવા મામલે રજૂઆત કરશે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં LCB ઓફિસ બહાર આપ પાર્ટી પણ પોલીસકર્મીઓના સમર્થનમાં આવી છે. આપે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે તમામ અધિકારીઓને LCB પહોંચવા સૂચના આપવામાં આવી હતી. આ આંદોલનમાં પોલીસ કર્મચારીઓ સાથે પરિવારજનો પણ જોડાયા હતા. આ ઉપરાંત પોલીસ કર્મીઓના સમર્થનમાં ગ્રામજનો આવ્યા હતા. આંદોલન સ્થળે 500થી વધુનું ટોળું હાજર રહ્યું હતું.