સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર મહિના દરમિયાન સાયબર સિક્યુરિટી અવેરનેસ માસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી પહેલ સાયબર સેઇફ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના 400થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રીએ સંબંધિત વ્યક્તિઓને સુપ્રત કર્યા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસોમાં 2019ની તુલનામાં 2020માં 64% જેટલો વધારો નોંધાયો છે. જેની સામે દેશમાં માત્ર 11.8% વધારો નોંધાયો હતો. કોરોના કાળમાં ડિજિટલ લેવડ-દેવડ વધવાની સાથોસાથ રાજ્યમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ વધ્યા છે. ગુજરાતમાં 2019ની તુલનામાં 2020માં બાળકો સાથે થતાં સાયબર ક્રાઇમમાં સાડા ચાર ગણો વધારો નોંધાયો છે. જેની સામે દેશમાં આ વધારો સાડા ત્રણ ટકા જેટલો છે. આ ઉપરાંત મહિલાઓ સાથે થતા સાયબર ક્રાઇમમાં છેલ્લા એક વર્ષમાં 22.5% વધારો નોંધાયો છે.