સમગ્ર રાજ્યમાં કોરોનાને પગલે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. અહીં હાલમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીની સાથે જ સૌથી વધુ નુકસાન અમદાવાદને ભોગવવું પડ્યું છે. રાજ્યના કુલ 4,04,569 કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે.
બીજી તરફ, દેશભરનાં મોટાં શહેરોમાં પણ મૃત્યુઆંક મામલે અમદાવાદ પ્રથમ નંબર પર આવે છે. અહીંનો મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે મુંબઈ આ મામલે 2.20 ટકા સાથે બીજા સ્થાને છે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં દૈનિક 50ની આસપાસ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે.માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યાર બાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે, જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીનાં મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યારસુધીમાં લગભગ 30 હજાર કેસ આવી ચૂક્યા છે. સતત વધતા કેસથી ખાનગી હોસ્પિટલોનાં બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયાં છે. કોવિડની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોનાં કુલ 864 આઈસીયુ બેડ છે