ગણેશોત્સવને લઇને મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય, દૂર કર્યા આ નિયંત્રણો

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2022 (10:44 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે.
 
ર૦ર૧ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં ૪ ફૂટની ઊંચાઇ તથા ઘરમાં ર ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી. 
 
કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.૩૧ માર્ચ-ર૦રર પછી અમલમાં નથી તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે.
 
ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article