પ્રવાસીઓને રાહત: સોમવારથી ગામડામાં જતી બસો દોડશે, દરરોજની 10 હજાર ટ્રીપ વાગશે

Webdunia
શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (11:17 IST)
કોરોનાકાળમાં અટકી પડેલી મુસાફરીને વેગ આપવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં એસ.ટી.નિગમની લોકલ બસ સર્વિસ આગામી તા.૭ સપ્ટેમ્બરને સોમવારથી શરૂ થઇ જશે. નાઇટ આઉટની ગામડાઓની આશરે દૈનિક ૧૦ હજાર ટ્રીપો શરૂ થશે. જેને લઇને રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને મોટી રાહત મળી જશે. પાંચેક માસ બાદ લોકલ સર્વિસ ચાલુ થવા જઇ રહી છે. ગામડામાં જતી બસના કંડક્ટરને થર્મલ ગન અપાશે. બસમાં પ્રવાસી બેસે તે પહેલાં જ થર્મલ ગનથી સ્કેન કરાશે. 
 
કોરોનાકાળમાં બસ સેવા બંધ હોવાથી એસટી નિગમને માટો માર પડ્યો હતો પરંતુ જેમ જેમ પરિસ્થિતિ થાળે પડી રહી છે તેમ તેમ વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. એસ.ટી.નિગમના સચિવ કે.ડી.દેસાઇના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પોઇન્ટ-ટુ-પોઇન્ટ, એક્સપ્રેસ સહિતની કુલ ૨૨,૫૦૦ જેટલી ટ્રીપો ચાલી રહી છે. આગામી સોમવારથી લોકલ સર્વિસ ચાલુ થતા દેનિક ૩૨ હજારથી વધુ ટ્રીપો શરૂ થશે. જેને લઇને હવે એસ.ટી.ના મુસાફરોને મોટી રાહત મળી જશે. રાજ્યભરમાં સોમવારથી જ એસ.ટી.નું લગભગ ૮૦ ટકા સંચાલન પૂર્વવત થઇ જશે. જોકે હાલમાં શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થી ટ્રીપો રદ રહેશે.
 
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એસટી દ્વારા પ્રીમિયમ બસ સુવિધા શરૂ કરાઈ હતી. જે અંતર્ગત અનેક રુટની પ્રીમિયમ બસ સર્વિસ શરૂ કરાઈ હતી. તો સાથે જ હવે અમદાવાદથી આવતીજતી બસોનું સંચાલન પણ નિયમિત થઈ ગયું છે. મુસાફરોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને બસ દોડાવવામાં આવી રહી છે. તો સાથે જ તમામ બસોને મુસાફરી બાદ સેનેટાઈઝ કરવામાં આવે છે. આ ઉપરાંત હાઈવે પર મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવે છે. જેથી કોરોનાકાળમાં તકેદારીના શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article