ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં પહેલાં જ વાવાઝોડાનો ખતરો પેદા થયો છે. પરંતુ દક્ષિણ ગુજરાત પર ત્રાટકનારું આ વાવાઝોડું કેટલું ઘાતક હશે? 20 મેના રોજ બંગાળ પર ત્રાટકેલા પાવરફૂલ વાવાઝોડા અંફન બાદ હવે અરબ સાગરમાંથી નિસર્ગ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આવી રહ્યું છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે તે નિસર્ગ વાવાઝોડું અંફન કરતાં તીવ્રતા અને તાકાતમાં નબળું હશે.
આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે દમણ પાસેથી લઈને ઉત્તર મહારાષ્ટ્રના હરિહરેશ્વરના દરિયાકિનારાની વચ્ચે ત્રાટકશે. ગુજરાત સુધી આ ડિપ ડિપ્રેશન પહોંચશે તે પહેલાં તે ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે. એવું માનવામાં આવે છે કે તે બીજી કૅટેગરીનું સાયક્લોન હશે. હવે એ પણ જાણી લઈએ કે આ વાવાઝોડાની આ કૅટેગરીને અર્થ શું થાય છે?
ગુજરાતમાં ત્રીજી તારીખે ત્રાટકશે વાવાઝોડું, છ જિલ્લામં હાઈઍલર્ટ સાયક્લોનને 1થી 5 કૅટેગરીમાં વહેંચવામાં આવે છે. જેના આધારે તેની તીવ્રતા અને તે કેટલું નુકસાન કરશે તેનો અંદાજ મેળવી શકાય છે. સાયક્લોનની તાકાત કેટલી હશે તેનો આધાર વાવાઝોડાની ગતિ પર આધાર રાખે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નિસર્ગ વાવાઝોડાના પવનની ગતિ પ્રતિકલાકના 95થી 115ની રહેશે.
બીજી તરફ તાજેતરમાં જ ઓડિશા અને પશ્વિમ બંગાળમાં આવેલા વાવાઝોડા અંફનને કૅટેગરી ચારમાં મૂકવામાં આવ્યું હતું. તેને અતિભીષણ ચક્રવાત કહેવામાં આવે છે.જ્યારે તે દરિયાકાંઠે પહોંચ્યું ત્યારે તેની સ્પીડ 180 કિલોમિટર પ્રતિકલાકની આસપાસ હતી. અરબ સાગરમાં પેદાં થતાં વાવાઝોડાં કરતાં બંગાળની ખાડીમાં પેદા થતાં વાવાઝોડાં વધારે શક્તિશાળી હોય છે.
હવામાન સંલગ્ન બાબતોના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી કરતાં અરબ સાગરના દરિયાના પાણીનું તાપમાન ઓછું હોય છે. એટલે કે પાણી વધારે ઠંડું હોવાના કારણે વાવાઝોડાં વધારે તાકતવર બની શકતાં નથી. વાવાઝોડાને પેદા થવા અને વધારે ઘાતક બનવા માટે દરિયાની સપાટીનું ઊંચું તાપમાન મદદ કરતું હોય છે. જોકે, 2019માં અરબ સાગરમાં તેના સ્વભાવ કરતાં વધારે વાવાઝોડાં પેદા થયાં હતાં. છેલ્લાં 100 વર્ષમાં આવું ક્યારેય બન્યું ન હતું. 2019ના વર્ષમાં અરબ સાગરમાં 5 વાવાઝોડાં ઉત્પન્ન થયાં હતાં. વાયુ, હિક્કા, કયાર, મહા અને પવન.
હવે એ પણ જાણી લઈએ કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો પર કેટલો મોટો ખતરો પેદા કરશે?
વાવાઝોડાની હાલની આગાહી પ્રમાણે કેટેગરી 2 છે જેથી તે અફાન કરતાં ઓછું નુકસાન કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવામાનની સ્થિતિ બદલાતાં વાવાઝોડાની સ્થિતિ બદલાઈ શકે છે. હાલ તે ચોક્કસ કયા સ્થળ પર ત્રાટકશે તે નક્કી થયું નથી.. જેથી તેના સીધા સંપર્કમાં આવનારા વિસ્તારોમાં વધારે નુકસાન થશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.