રાજયભરમાં રંગોના પર્વની ઉજવણી કરાઇ, લોકો મિત્રો સાથે નહી પરિવાર સાથે ઉજવી ધૂળેટી

Webdunia
મંગળવાર, 30 માર્ચ 2021 (08:45 IST)
રાજ્યમાં આ વખતે કોરોના સંક્રમણના લીધે હોળી મજા થોડી ફીક્કી બની હતી. કોરોના સંક્રમણના લીધે એએમસી અને સરકારના દ્રારા હોળી-ધૂળેટી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ પ્રતિબંધો વચ્ચે ગુજરાતીઓ હોળીની મજા માણી હતી. જોકે ગત વર્ષ જેવો માહોલ જોવા મળ્યો ન હતો. લોકોએ પરિવાર સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી શુભેચ્છાઓ પાઠવી હતી. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને હોળી પર્વની શુભકામનાઓ પાઠવી છે. ટ્વીટ સંદેશમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે. પ્રકૃતિના નવસર્જનનું આ મહાપર્વ દરેકના જીવનને અનંત સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ સાથે નવસર્જીત કરે તેવી મંગલ કામનાઓ.  
 
રાજ્યમાં પરંપરાગત ધર્મમય માહોલમાં હોળીનું પર્વ ઉજવાયા સાથે અવનવી પિચકારીઓ, રંગ અને વિવિધ પ્રકારના વાસણો, કપડા, ઘરેણા વિગેરેની ખરીદી થવા પામી હતી. ધુળેટીના પર્વનેરંગો અને ઉમંગો સાથે ઉજવવા માટે લોકોમાં કોરોના મહામારી વચ્ચે પણ અનેરો આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
 
ગ્રામીણ વિસ્તારોમાં પર્વની ઉજવણીનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. નાના બાળકો અને યુવાનો દ્વારા વહેલી સવારથી જ ધૂળેટી નિમિત્તે રંગો લગાવવા અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં આજેફૂલડોલ ઉત્સવ રાખવામાં આવ્યા છે, જો કે કોરોના સાવધાનીના કારણે મોટાપાયે ઉજવણી બંધ રાખવામાં રાખવામાં આવી છે.
 
જ્યારે અમદાવાદ-રાજકોટ જેવા શહેરોમાં લોકો પોતાના પરિવાર સાથે હોળી ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. જ્યારે નાના બાળકો સોસાયટીના ગ્રાર્ડનમાં એકબીજા પર રંગ છાંટીને ધૂળેટીની ઉજવણી કરી હતી. ધુળેટી પર્વને લઇ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોના વાલીઓ સાવચેતી રાખી રહ્યા છે.  નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ લોકો ધાબા પર ચડીને ધુળેટી ઉજવતા જોવા મળ્યા હતા. સાથે જ કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે મિત્રો સાથે નહિ પરંતુ પરિવારના સભ્યો સાથે રમતા જોવા મળ્યા હતા. 
અત્રે ઉલ્લેખનીય છે કે એએમસી દ્રારા કહેવામાં આવ્યું હતું કે જો કોઇ સોસાયટીમાં હોળી રમતાં પકડાશે તેમના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article