માત્ર બે વાર જ પુત્ર નરેન્દ્ર મોદી સાથે મંચ પર દેખાયા હતા હીરાબા

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (14:24 IST)
વડાપ્રધાન મોદીના માતા હીરાબેન 18 જૂને જ તેમના 100મા વર્ષમાં પ્રવેશ્યા હતા. તે દરમિયાન પીએમએ ગાંધીનગરમાં માતાના પગ ધોયા અને તે પાણી માથા પર ચડાવ્યુ હતુ. માતા હીરાબાએ પણ પુત્રનું મોં મીઠુ કરાવ્યું અને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન તેમણે એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેમણે માતાના જીવનની વાત કહી હતી.

PM મોદીને અવાર-નવાર સવાલો કરાતા કે કેમ તેમના માતા તેમની સાથે જાહેરમાં બહુ ઓછા દેખાય છે ત્યારે આ અંગે ખુદ પીએમ મોદીએ પોતાના શબ્દોમાં લખ્યું છે કે, તમે પણ જોયું જ હશે, મારી માતા ક્યારેય કોઈ સરકારી કે જાહેર સમારંભમાં મારી સાથે નથી જતા. અત્યાર સુધી આવું માત્ર બે વાર બન્યું છે જ્યારે તેઓ મારી સાથે કોઈ જાહેર કાર્યક્રમમાં આવ્યા હોય.યાદોને વાગોળતા PMએ કહ્યુ કે એકવાર, જ્યારે હું 'એકતા યાત્રા' પછી શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવીને પાછો ફર્યો હતો, ત્યારે અમદાવાદમાં યોજાયેલા નાગરિક સન્માન કાર્યક્રમમાં મારી માતાએ મંચ પર આવીને મારા ઓવારણા લીધા હતા. માતા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી કારણ કે એકતા યાત્રા દરમિયાન ફગવાડામાં હુમલો થયો હતો, જેમાં કેટલાક લોકો માર્યા ગયા હતા. તે સમયે માતાને મારી ખૂબ જ ચિંતા હતી. ત્યારે મને બે લોકોનો ફોન આવ્યો. એક ફોન અક્ષરધામ મંદિરના આદરણીય વડા સ્વામીજીનો હતો અને બીજો મારી માતાનો હતો. મારી સ્થિતિ જાણીને માતાને થોડો સંતોષ થયો.બીજી વખત તેઓ જાહેરમાં મારી સાથે હતા જ્યારે મેં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 20 વર્ષ પહેલાનો એ શપથ ગ્રહણ સમારોહ છેલ્લો સમારોહ છે જ્યારે માતા મારી સાથે ક્યાંય પણ જાહેરમાં હાજર હોય. આ પછી તે ક્યારેય મારી સાથે કોઈ કાર્યક્રમમાં આવ્યા નથી.ઘણી વખત માતા કહેતા, "જુઓ ભાઈ, જનતાના આશીર્વાદ તમારી સાથે છે, ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે, તમને ક્યારેય કંઈ થશે નહીં.તમારા શરીરને હંમેશા સારું રાખો, તમારી જાતને સ્વસ્થ રાખો કારણ કે જો શરીર સારું હશે તો જ તમે સારું કામ કરી શકશો.

સંબંધિત સમાચાર

Next Article