ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યા પડશે મુશળધાર વરસાદ

Webdunia
ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2024 (18:37 IST)
ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો હતો અને તેની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વડોદરામાં ઝડપી પવન સાથે વરસાદ થયો હતો. મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 
 
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ એક તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
 
હાલની સ્થિતિમાં પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વધારે વરસાદને જોતાં પૂરની ચેતવણી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે આગામી બે દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે બુધવારથી જ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. હજી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
26થી 28 સપ્ટેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું વધારે જોર રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હાલ મધ્ય ભારત પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં કયા જિલ્લામાં પડશે વધારે વરસાદ?
ગુજરાતમાં 26થી 28 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે, કેટલાક વિસ્તારોમાં અતિભારે તો ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે.  વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે થતા કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસોમાં વરસાદની શક્યતા છે.
 
જોકે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને મધ્યમ કરતાં વધારે વરસાદ થઈ શકે છે. પૂર્વ અને મધ્યમ ગુજરાતના કેટલાક જિલ્લામાં કોઈ સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે.
 
સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે, કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે. કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
 
આ ત્રણ દિવસોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે ઝડપી પવન પણ શરૂઆતમાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 

સંબંધિત સમાચાર

Next Article