આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ખંભાળિયામાં 2 કલાકમાં 3 ઈંચ ખાબક્યો

Webdunia
મંગળવાર, 13 જૂન 2023 (12:44 IST)
rain in saurashtra
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજ સવારથી જામગર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.
rain in gujarat

આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ અને સુત્રાપાડાને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. 24 કલાકમાં આ બન્ને વિસ્તારમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં 3 ઈંચ અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે.
rain in gujarat

વાવાઝોડાની સૌથી અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રા, ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે.ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવાના, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. આજે ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.કચ્છના દયાપર સહિત લખપત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આજ સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
Next Article