Swaminarayan - સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનાં દુષ્કૃત્યોના બનાવો સામે આવતાં હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડતાલ અને ગઢડા બાદ હવે જૂનાગઢના હરિભક્તોએ રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ કરી છે. હરિભક્તોએ પ્લેકાર્ડ સાથે રેલી યોજી લંપટ સ્વામીઓ સામે રોષ ઠાલવ્યો હતો અને લંપટ સાધુઓને હટાવી સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવવાની માગ કરી હતી. હરિભક્તો દ્વારા જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.
હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
આજે જૂનાગઢના હરિભક્તો દ્વારા આવા લંપટ સ્વામીઓને દૂર કરવાની માગ સાથે જવાહર મંદિરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી યોજી રહેલા હરિભક્તોએ કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરાવવા માટેની માગણી કરવામાં આવી હતી.હરિભક્તોએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધપ્રદર્શન કર્યું હતું. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સરકાર આ બાબતે સખત પગલાં લે એવી માગણી
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીનાં વસ્ત્રને અડવું નહીં એવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે, ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે.ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે અને એ માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે બની બેઠેલા ધર્મના વડાઓ તો કંઈ કરે એવું લાગતું નથી, કારણ કે બધા એક જ નાવમાં સવારી કરી રહેલા જણાય છે. જેથી હવે સરકાર આ બાબતે સખત પગલાં લે એવી માગણી છે.
ગુરુકુળો શિક્ષણના બદલે હવે હવસ સંતોષવાનાં કેન્દ્ર બની ગયાં
આ કૃત્યોથી તમામ સનાતન ધર્મને લાંછન લાગે છે. સમાજમાં ધાર્મિક લાગણી ધરાવનારની લાગણી દુભાય છે. સંપ્રદાયના હોવા બદલ શરમ અનુભવાય છે.છતાં આવા સાધુઓ ખબર નહીં કોની હિંમતની મોજ કરી રહ્યા છે. હરિભક્તો દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે કાયદા મુજબ સગીર વ્યક્તિ પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપીને કેવી રીતે સાધુ કરાય? છતાં પોતાની હવસ સંતોષવા, કામવાસનાને ઠારવા, નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળોમાં લલચાવી, લાવી અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય કરે છે. શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવે હવસ સંતોષવાનાં કેન્દ્ર બની ગયાં છે.