કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને લાંચ આપનાર આ મંત્રી પુરષોત્તમ સોલંકીનો અંગત સચિવ વિપુલ ઠક્કર કોણ છે..?

Webdunia
બુધવાર, 21 નવેમ્બર 2018 (13:09 IST)
બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી ઉપર એક કેસમાં કથિત લાંચ લેવાના દિલ્હી સીબીઆઇના ઉચ્ચ અધિકારી દ્વારા ગંભીર આક્ષેપોમાં ગુજરાત કનેક્શન ખુલવા પામ્યું છે. જેમાં વિપુલ નામના વ્યક્તિએ લાંચની રકમ આપી હોવાનું બહાર આવ્યું છે તે રાજયના મંત્રી પરસોત્તમ સોલંકીનો અંગત સચિવ વિપુલ ઠક્કર હોવાનું ખુલ્યું છે. જો કે તેનું નામ લાંચકાંડમાં ઉછળતા સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ-બેમાંથી મંત્રી સોલંકીની ચેમ્બર બહારથી તેની નેમ પ્લેટ તાકિદે હટાવી લેવામાં આવી હતી. 
સચિવાલયમાં મંગળવાર હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. તેમાં બનાસકાંઠાથી પણ અનેક લોકો આવ્યા હતા. જેમના દ્વારા આ મુદ્દે ભારે ચર્ચા જોવા મળી હતી. સીબીઆઇના ડીઆઇજી મનીષકુમાર સિંહાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટીશનમાં હરીભાઇ ચૌધરીએ અમદાવાદના વિપુલ નામના વ્યક્તિ પાસેથી લાંચ લીધાનો આક્ષેપ કરાયો છે. જેના કારણે સચિવાલય સુધી આ બાબતના પડઘા પડયા હતા. 
આ વિપુલ રાજય કક્ષાના મંત્રી પરસોતમ સોલંકીનો વર્ષો જૂનો ખાનગી અંગત મદદનીશ હોવાનું બહાર આવ્યું હતું. ૨૦૦૬ના વર્ષથી વિપુલ તેમની સાથે જોડાયેલો છે અને બનાસકાંઠાનો હોવાથી ત્યાંના નેતાઓ સાથે પણ ઘરોબો ધરાવે છે. જે તે વખતે વિઝીટીંગ કાર્ડમાં નામ છપાવી શકે તે માટે વિપુલનો ઓર્ડર કલાર્ક કમ સ્ટેનોગ્રાફર તરીકે સરકારમાંથી કરાવાયો હતો. 
જો કે ૨૦૧૭માં ભાજપની નવી સરકાર આવ્યા બાદ અને સોલંકી મંત્રી બન્યા બાદ તેનો ઓર્ડર થયો ન હતો. તેમ છતાં સોલંકીની ચેમ્બર બહાર અધિક અંગત મદદનીશ તરીકે તેની નેઇમ પ્લેટ લાગેલી હતી. જે વિપુલનું નામ કથિત લાંચ કૌભાંડમાં આવ્યા બાદ છેવટે હટાવી લેવાની ફરજ પડી હતી. તે મોટાભાગે મંત્રી સોલંકીની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમના બંગલા ખાતે જઇને કામ કરતો હતો. 
વિપુલ અંગે કોઇ ટિપ્પણી માટે મંત્રી સોલંકીનો સંપર્ક કરવા કરવાનો પ્રયાસ છતાં થઇ શક્યો ન હતો પરંતુ સૂત્રોના જણાવ્યામુજબ વિપુલ લાયેઝન કામમાં એક્કો ગણાતો હતો. એકસમયે ચાર-ચાર મોબાઇલ ફોન રાખતો વિપુલ વિદેશમાં પણ વારંવાર જતો હતો. તેના રાજકારણીઓ-અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના કર્તાહર્તાઓ સાથે પણ સારા સંપર્ક હતા.  સચિવાલયના અધિકારી વર્ગમાં પણ હરીભાઇ ચૌધરીનો અને વિપુલ કયા લોકોના સંપર્કમાં છે તે બાબત ચર્ચાનો વિષય બનવા પામી હતી.
 
 

સંબંધિત સમાચાર

Next Article