કોરોના વાયરસ: ભવિષ્યમાં અમદાવાદ ખાતે આ પ્રકારના વાયરસનો ટેસ્ટ થઇ શકે તે પ્રકારની સુવિધા વિકસાવાશે

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (10:31 IST)
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’ જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. કોઇએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, માત્ર તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો સામે પૂરતી કાળજી રાખવાની આવશ્યકતા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ત્રણ સભ્યોની તબિબિ ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવી હતી. 
 
આ ટીમમાં સફદરગંજ હોસ્પિટલ, નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રોફેસર નવંગ, એન.સી.ડી.સી., નવી દિલ્હીના એપિડોલોજીસ્ટ ડૉ. વિનય ગર્ગ તેમજ સફદરગંજ હોસ્પિટલના માઇક્રો બાયોલોજીસ્ટ ડૉ. મનીષા જૈને અમદાવાદ એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે તેમજ તેની સારવાર માટે લીધેલા પગલાઓથી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
 
સમગ્ર વિશ્વમાં આજે ૩૨૪૧ કેસો કોરોના વાયરસના નોંધાયા છે જે સાથે કુલ ૨૦,૬૩૦ કેસો છે અને આજે ૬૪ મૃત્યુ મળી અત્યાર સુધી વિશ્વમાં કુલ ૪૨૬ મૃત્યુ નોધાયા છે. માત્ર ચીનમાં જ કુલ ૨૦,૪૭૧ કેસો નોંધાયા છે અને ૪૨૫ મોત થયા છે. ભારતમાં કુલ ત્રણ કેસો પોઝીટીવ નોંધાયા છે જે કેરળમાં છે.  રાજ્યમાં ૮ શંકાસ્પદ કેસો જણાતા તેમના સેમ્પલ એન.આઇ.વી. પૂના ખાતે મોકલવામાં આવ્યા છે તે પૈકી પાંચ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને જે ત્રણ સેમ્પલ પેન્ડીંગમાં છે જેનો રીપોર્ટ મોડી રાત સુધીમાં આવી જશે. 
 
કોરોના વાયરસની તકેદારી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં  આવી રહી છે. એરપોર્ટ ખાતે સ્ક્રીનીગ તથા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આઇસોલેશન વોર્ડની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં આજે નવા ૧૬૧ મુસાફરો મળી કુલ ૯૩૦ મસાફરો ચીનથી પરત ફર્યા છે. જે પૈકી ૨૪૬ મુસાફરોએ ૧૪ દિવસનો ઓબ્ઝર્વેશન પરીયડ પૂર્ણ કર્યો છે. આ તમામની તબિયત સારી છે અને તમામનું જિલ્લા સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારી દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સેટકોમના માધ્યમ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓને આ સંદર્ભે રોજબરોજ માર્ગદર્શન-તાલીમ પણ આપવામાં આવી રહી છે. 
 
સફદરગંજ હોસ્પિટલના નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રો. નવંગે કહ્યું હતું કે, ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં આ વાયરસ સામે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં ૩૦ બેડની વ્યવસ્થા, આઇ.સી.યુ., વેન્ટીલેટર, જરૂરી માસ્કની સુવિધાની સાથે ૨૪ કલાક તાલિમી તબીબી સ્ટાફ કાર્યરત છે. વિશ્વમાં કોરોના વાયરસના મહત્તમ ૯૯ ટકા કેસ માત્ર ચાઇનામાં છે તેમાં પણ સૌથી વધુ ૯૧ ટકા કેસ ચાઇનાના વુહાન વિસ્તારમાં છે. આ વાયરસમાં મૃત્યુનો દર અત્યાર સુધીમાં માત્ર ૨ ટકા નોંધાયો છે એટલે કે દર ૧૦૦ દર્દીઓએ માત્ર બે દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં માત્ર ૩ દર્દી હાલ કેરળમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.  
 
ભારતમાં ખાસ કરીને ચાઇના, સિંગાપોર અને હોંગકોંગમાંથી આવતા નાગરિકોનું એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આ દરમિયાન શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જોવા મળે તો તેને ૧૪ દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. ભારતમાં આ રોગ સામે કાળજી લેવાની જરૂર છે પણ ગભરાવવાની જરૂર નથી. શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતાં લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ.  
 
ડૉ. મનિષા જૈને કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં તેનો ટેસ્ટ કરી શકે તેવી વ્યવસ્થા બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી આ વાયરસના સેમ્પલ ભવિષ્યમાં તપાસ માટે એન.આઇ.વી. પૂના ખાતે મોકલવાની આવશ્યકતા રહેશે નહીં. એન.આઇ.વી. પૂના દ્વારા આ પ્રકારના વાઇરસની તપાસ થઇ શકે તે માટેની જરૂરી કીટ પણ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
 
ડૉ.વિનય ગર્ગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત ૧૪ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોની વાયરસ અંગેની તપાસ થઇ શકે તે હેતુથી તબીબી ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત સરકારે સ્ક્રીનીંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદેશમાંથી આવતા મુસાફરો માટે જરૂર જણાય તો ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા પણ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article