ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ અમદાવાદથી મળ્યો આવ્યો છે. થાઇલેન્ડના પ્રવાસેથી પરત ફરેલી અમદાવાદની 28 વર્ષીય એક મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના લોહીના નમૂના પૂના સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયલોજીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ અન્ય ત્રણ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
મેડિકલનો અભ્યાસ તથા બિઝનેસ માટે ગયેલા ગુજરાતી કોરોના વાયરસના લીધે હવે ગુજરાત પરત ફરી રહ્યા છે. અહીં અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની સાથે જ તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમને 14 દિવસ સુધી સ્વાસ્થ્ય વિભાગની દેખરેખ માટે રાખવામાં આવી રહ્યા છે. ગત થોડા દિવસો પહેલાં થાઇલેન્ડમાં પોતાના પતિ સાથે રજાઓ માણી અમદવાદ પરત ફરેલી અમદાવદની ઋષિતા નામની મહિલાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણોના લીધે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. આ યુવતિને શરદી, ખાંસી અને તાવ સહિત અન્ય લક્ષણોની ફરિયાદ કરી હતી. પરિવારજનોએ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પરંતુ હોસ્પિટલના સંચાલકોએ તેને સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે ભલામણ કરી હતી. મહિલાને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યું છે. ત્યાં વિશેષ ડોક્ટરોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો જી.એચ. રાઠોડે જણાવ્યું હતું કે મહિલાના શંકાસ્પદ લક્ષણને ધ્યાનમાં રાખતાં તેની સારવાર ચાલુ છે. દર્દીના બ્લડ સેમ્પલ તપાસ માટે પૂના સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ કન્ફોર્મ થઇ જશે. અત્યાર સારવાર ચાલુ છે. આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો કોઇપણ કેસ નોંધાયો નથી.
રાજ્ય સરકારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા કંડલા સહિત 17 પોર્ટ પર સ્ક્રીનિંગ યૂનિટ તૈયાર કરી નિરીક્ષણ શરૂ કરી દીધું છે. ગુજરાતના તમામ પોર્ટ પર જહાજોના માધ્યમથી વિદેશીઓનું આવાગમન ચાલુ રહે છે. અહી ચીન, થાઇલેન્ડ, સિંગાપુર, જાપાન, કોરિયાના માલવાહક જહાજોના કર્મચારીઓના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.