સીએમ રૂપાણીના પત્નીએ રાહુલ ગાંઘીના પુતળાને સાડી પહેરાવીને માફી મંગાવી

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:45 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે. તેમણે મંગળવારે આરએસએસમાં મહિલાઓની એન્ટ્રી અંગે કરેલા નિવેદનથી વિવાદ જાગ્યો છે.રાહુલ ગાંધીએ વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સ્ત્રી સશક્તિકરણ અંગેની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ છે તેમાં? તમે ક્યારેય આરએસએસમાં મહિલાઓ જોઇ છે? શાખામાં ક્યારેય તમે મહિલાઓને શોર્ટ્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ. સંગઠનથી તમને ખબર પડી જાય છે. કોંગ્રેસમાં દરેક જગ્યાએ મહિલાઓ છે. આરએસએસમાં એક મહિલા નથી દેખાતી. ખબર નહીં શું ભૂલ કરી છે મહિલાઓ કે, તેમાં મહિલાઓ જઇ શકતી નથી.

તેમના આ નિવેદનનો ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે મહિલાઓએ શું પહેરવું તેની ચિંતા રાહુલે કરવાની જરૂર નથી. ત્યારે આજે બુધવારે રાજકોટમાં ભાજપ મહિલા મોરચાએ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષનો વિરોધ કર્યો હતો. રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આવેલા ત્રિકોણબાગ ખાતે ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી હતી ત્યારબાદ જાહેરમાં માર મારી મહિલાઓ વિરુદ્ધ કરેલી કોમેન્ટ પર માફી મગાવી હતી.

સંબંધિત સમાચાર

Next Article