શાળા બંધ છે શિક્ષણ ચાલુ છે: 'આ શિક્ષકો બાળકોને ખેતરે અને વાડીએ જઈને ભણાવી રહ્યાં છે'

Webdunia
રવિવાર, 11 જુલાઈ 2021 (16:50 IST)
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ડબકા ગૃપ તાબાની સીમ જોશીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગામના ૧૮૮ ઉપરાંત વિધાર્થીઓને ઘરે ઘરે , શેરીએ શેરીએ જઈ શિક્ષણ આપવાનો જ્ઞાનયજ્ઞ આદર્યો છે. કોરોના કાળમાં ટીવી કે સ્માર્ટફોન જેવી સુવિધા ન ધરાવતા વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ કાર્યક્રમ હેઠળ બાળકોને શિક્ષણ મળે તે માટે શિક્ષકો હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.
 
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના કારણે હાલ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને મહાશાળાઓમાં બંધ છે, પણ શિક્ષણ નહી. આ પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગામમાં અનેક એવા વિધાર્થીઓ છે જેમના ઘરમાં ટીવી કે સ્માર્ટ ફોન નથી. આવા બાળકોના અભ્યાસ અર્થે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ગામમાં સવારના સમય દરમિયાન એક સાથે નવ જેટલી જગ્યાએ જેમ કે ખેતરો, શેરીઓ, મહોલ્લાઓમાં શાળાના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અંદાજે ૧૮૮ ઉપરાંત વિદ્યાર્થીઓને શેરીએ શેરીએ ફરી શિક્ષકો શિક્ષણ આપી રહયા છે.
બીજા ધોરણમાં પ્રવેશેલી અદીતિ પોતાની કાલીઘેલી ભાષામાં કહે છે કે, કોરોનાને લીધે શિક્ષકો ઘરે ભણાવવા આવે છે. ગીતો વાર્તાઓ સંભળાવે છે, મને વાંચતા પણ આવડી ગયું છે. સીમ શાળાના શિક્ષક કનુભાઈ જાદવ કહે છે કે, ગામની ધો.૧ થી ૮ ના બાળકોને શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.ડબકા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારા ગૃપની તમામ શાળાઓમાં ચાલતી આ કામગીરીમાં વાલીઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.
 
જ્યારે કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ સિવાય કોઈ રસ્તો ન હતો પણ પાદરા તાલુકાના આ ગામના શિક્ષકોએ ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપી પોતાના જ્ઞાનયજ્ઞ દ્વારા ફરજ નિષ્ઠા સાથે પોતાનો કર્તવ્ય પરાયણતા અદા કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 
 
ડબકા સહિત પરા અને સીમ વિસ્તારની શાળાઓમાં શિક્ષકો શેરીએ શેરીએ જઈ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે શિક્ષણ આપી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકો ધો. ૧ માં પ્રવેશ મેળવ્યો છે અને કોરોનાના કારણે શાળામાં પણ જઈ શક્યા નથી એવા બાળકો પણ આ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકોના અથાક પ્રયત્નોથી જીવન ઘડતરનો એકડો બગડો શીખી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article