ધોળકાના મામલતદારને 25 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા

Webdunia
બુધવાર, 20 જાન્યુઆરી 2021 (11:43 IST)
વચેટીયા પાસેથી ACBએ પાંચ લાખ રૂપિયા કબજે કર્યાં 
અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયાં છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે 25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે બાતમી મળતાં જ ACBએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો અને મામલતદારને લાંચની રકમ સ્વીકારતાં ઝડપી લીધાં હતાં. ગત રાત્રે ACBએ મામલતદારને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. ACBને મામલતદારની ઓફિસમાંથી 20 લાખ રૂપિયાની રકમ મળી હતી. જ્યારે બીજા પાંચ લાખ રૂપિયા વચેટીયા પાસેથી કબજે કરવામાં આવ્યાં હતાં. 
ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે જમીન મોજે બદરખાની સીમમાં આવેલ જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂક કરેલ જે ફરીથી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપવામાં આવી હતી. જેના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી જમીન ફરીથી ખેડૂત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોરે 25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારે આ રકમ નહીં આપવા માંગતાં ફરિયાદીએ આખરે ACBનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર તથા તેમનો વચેટીયો ACBના છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતાં. 
વર્ષ 2020માં ACBએ 38 કેસ કરીને 50 કરોડની બેનામી મિલકત શોધી
ગુજરાત ACB વર્ષ 2020માં 198 કેસ કરીને 307 ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતા રંગેહાથે પકડ્યા હતા. જેમાં વર્ગ-1ના 7 બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના 38 કેસ કરીને રૂ.50.11 કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્વનું છે કે 2020ના વર્ષમાં ACBના કેસોમાં સજાનો દર 40 ટકા રહ્યો હતો. તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ 31 દિવસ સુધી જેલવાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ACBએ ભૂતકાળના વર્ષો કરતા ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી છે.\

સંબંધિત સમાચાર

Next Article