તાજેતરમાં જ કાયદાના સ્વરૂપે અમલમાં આવેલા સિટિઝન્સ અમેન્ડમેન્ડ ઍક્ટની ગુજરાતમાં અમલવારી કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. રાજ્યમાં આ કાયદાના અમલ કરતા ગેરકાયદેસર વસવાટ કરી રહેલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ખદેડાશે. જોકે, આ કાયદા મુજબ જેતે દેશના લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે એટલે આ નાગરિકોમાં પાકિસ્તાનનાં અને બાંગ્લાદેશના લધુમતી જે બિન મુસ્લિમ સમુદાય હશે તેમને નાગરિકતા મળી જશે. સિટિઝન્સ અમેન્ડમેન્ડ ઍક્ટનો ગુજરાતમાં અમલ કરવા માટે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની માહિતી એકત્ર કરવા માટે ગૃહ વિભાગે પોલીસને સૂચના આપી છે. ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર રહેતા નાગરિકોની ગણતરી હાથ ધરી અને તેનો રિપોર્ટ દેશના ગૃહ વિભાગને સોંપવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો મુજબ રાજ્યમાં અનેક ઠેકાણે પાકિસ્તાનથી અને બાંગ્લાદેશથી આવેલા નાગરિકો ગેરકાયદેસર વસતાં હોવાની માહિતી છે. અહેવાલો મુજબ રાજ્યમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તાર, પાલનપુર, બનાસકાંઠા બૉર્ડર, કચ્છ બૉર્ડર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ હોઈ શકે છે. આ વિસ્તારોમાંથી માહિતી એકત્ર કરવાની સૂચના પોલીસને આપવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. તેમાં મુસ્લિમ શરણાર્થીઓને સામેલ નથી કરવામાં આવ્યા. તેથી વિપક્ષ આ બિલનો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ કરી રહ્યું હતું. સોમવારે લોકસભામાં આ બિલને મંજૂરી મળી મંગળવારે રાજ્યસભામાં પસાર થતાં આ બિલ કાયદો બની ગયું હતું.