287 કરોડની યોજનાને કેન્દ્રની મંજુરી મળતાં સાબરમતી આશ્રમનું રિડેવલપમેન્ટ થશે

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (13:59 IST)
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધાના ગણતરીના દિવસોમાં કેન્દ્ર સરકારે આશ્રમના નવીનીકરણ માટે રૂા.287 કરોડની સહાયને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.
મોદી જયારે મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાત સરકારે સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટની દરખાસ્ત કરી હતી, પણ પાંચ વર્ષથી એ ધૂળ ખાતી હતી.
રાજયના પ્રવાસન વિભાગે દરખાસ્તમાં સુધારાવધારા કરી વડાપ્રધાનની સંમતી બાદ એ કેન્દ્રને મોકલી હતી. દર વર્ષે 7 લાખ પ્રવાસીઓ સાબરમતી આશ્રમ આવે છે, પણ મહાત્મા ગાંધી રહ્યા હતા તે હૃદયકુંજ સિવાય આશ્રમના અન્ય વિભાગો પર્યટકોનું ધ્યાન ખેંચતા નથી.
રાજય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને ગાંધીજી રહ્યા તે વખતના સાબરમતી આશ્રમની તમામ સંસ્થાઓ અને હિસ્સાઓ સજીવ કરવા જણાવ્યું હતું. હવે 60 એકરના સંકુલની નવી ડિઝાઈન બનાવી ફરી વિકસાવાશે જેથી એ સ્વાતંત્ર્ય પુર્વેના દિવસોની યાદ અપાવે.
પંડીત નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય નેતાઓ પણ આ આશ્રમમાં રહ્યા હતા, અને આશ્રમમાં રહી સ્વાતંત્ર્ય સંગ્રામનું માર્ગદર્શન આપ્યું હતું. ટેકનોલોજીના ઉપયોગ સાથે રિનોવેશન પછી વર્લ્ડ કલાસ અનુભવ થઈ શકશે.

સંબંધિત સમાચાર

Next Article