વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂંક, અમદાવાદમાંથી નકલી એસપીજી 8 આઈકાર્ડ સાથે પકડાયો

Webdunia
સોમવાર, 4 માર્ચ 2019 (16:33 IST)
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ પ્રથમ વખત પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. રાજ્યમાં હાઈએલર્ટ પણ છે ત્યારે મોદીના આગમનના એક દિવસ પહેલાં જ ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીકની હોટલમાંથી પોલીસે નકલી એસપીજીના અધિકારીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી એસપીજીના 8 અને CISFના 6 તેમજ એક એરગન કબ્જે કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.4 અને 5 માર્ચ બે દિવસ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને હાઈએલર્ટને લઈ અમદાવાદ શહેરમાં પોલીસ હોટલમાં રહેતા લોકોનું ચેકિંગ કરી રહી છે. 
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ મોદી એસ.ટી રાયપુર પાસે આવેલી સ્વાગત હોટલમાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક રૂમમાં શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેનું નામ વિપુલ રાજેશભાઇ ગોહિલ હોવાનું જણાવ્યું હતું. પોતે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં હોવાનું અને પીએમની બંદોબસ્તમાં હોવાનું જણાવ્યું હતું.પોલીસને તેના સામાનની તપાસ કરતા એસપીજીના આઈકાર્ડ મળી આવ્યા હતા. એક નહીં પરંતુ આઠ આઈકાર્ડ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. 
SPG ASIના આઈકાર્ડને પોલીસે વેરીફાઈ કરતા નકલી હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત તેની પાસેથી એક એરગન અને CISFના 6 આઈકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે વિપુલની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી.પીએમની સુરક્ષા કરતી એસપીજી એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એજન્સીના આઈકાર્ડ સાથે શખ્સ ઝડપાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. 

સંબંધિત સમાચાર

Next Article