કચ્છના કાર્ગો જહાજને સોમાલિયાના ચાંચિયાઓએ બંધક બનાવ્યું

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (14:20 IST)
એક ભારતીય કાર્ગો જહાજને સોમાલિયાના ચાંચીયાઓએ અપહરણ કર્યું હોવાની ઘટના બની છે. દુબઇથી યમનના અલ મુકુલ્લા પોર્ટ જઇ રહેલા આ કાર્ગો જહાજનું નામ અલ કૌશર છે. આ જહાજ ગુજરાતના કચ્છના માંડવીનું છે. આ જહાજમાં સવાર 11 ક્રૂ મેમ્બર્સ પણ માંડવીના જ રહેવાસી છે.

આ જહાજ ગુજરાતથી માલ લઇને દુબઇ થઈને યમન જઇ રહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે શનિવારે મોડી રાત્રે સોમાલિયાના ચાંચીયાઓ હથિયારો સાથે જહાજનું અપહરણ કરી દીધું હતું. આ જહાજને સોમાલિયાના ઓબિયા પોર્ટ લઇ જવામાં આવ્યું હતું. વધુ મળતી માહિતી પ્રમાણે જહાજના કેપ્ટને સેટેલાઇટ ફોન દ્વારા જહાજના માલિકને જાણકારી આપી છે. તેના જણાવ્યા પ્રમાણે જહાજ ઉપર સ્થિત દરેક ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જોકે, ચાંચીયાઓએ દુબઇની કાર્ગો કંપની પાસેથી ખંડણીની રકમ માંગી છે. આ સમાચારના મળ્યા પછી આઈબી અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સમુદ્રમાં થઈ રહેલી હીલચાલ ઉપર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલયને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. આ સાથે જહાજને ચાંચીયાઓ પાસેથી છોડાવવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. 13 માર્ચે કેટલાક સોમાલિયાઇ ચાંચીયાઓએ હિંદ મહાસાગરમાં એક ઓઇલ ટેન્કર જહાજનું પણ અપહરણ કર્યું હતું. આ જહાજને પુટલેન્ડ વિસ્તારના સમુદ્ર તટે લઇ જવાયું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ જહાજ એક મર્ચેંટ ટેન્કર હતું. જેના પર સંયુક્ત અરબ અમિરાતનો ઝંડો લહેરાતો હતો.
Next Article