હાલ રાજ્યમાં નલિયા સેક્સકાંડ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આજે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડાપ્રધાનના નામે લખેલું મોટું પોસ્ટર દર્શાવીને કોંગ્રેસી મહિલાઓ ઘરની બહાર ભેગી થઈ હતી. જેમાં તેઓ દેખાવ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નલિયા સેક્સકાંડ મુદ્દે કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં વિરોધ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. અમદાવાદના રાયસણ ખાતે આવેલ હીરાબાના નિવાસ સ્થાને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નલિયાકાંડની પીડિતાને ન્યાય આપવું જોઈએ તે નારાથી મહિલા કાર્યકર્તાઓ હીરાબાના ઘરની બહાર એકઠી થઈ હતી. કાર્યકર્તાઓએ પીડિતાને ન્યાય અપાવોને માંગણી કરતું મોટું પોસ્ટકાર્ડ લખ્યું હતું. પરંતુ કોંગ્રેસની મહિલાઓ દેખાવો કરે તે પહેલા જ તેમની પોલીસ અટકાયત દ્વારા કરાઈ હતી. નલિયાની પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ મોટું પોસ્ટકાર્ડ લઈને પહોંચી હતી. વિશાળ કદના પોસ્ટકાર્ડ પર એડ્રેસમાં વડાપ્રધાનનુ નામ અને દિલ્હીની ઓફિસનું સરનામુ લખાયું હતું. પોસ્ટકાર્ડ પર વડાપ્રધાન માટે મેસેજ લખવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતુ કે, ગુજરાતની બહેનો અને દીકરીઓનું શોષણ થઈ રહ્યુ છે અને દુનિયાભરની ફિકરો નીકળતા ફકીર સાહેબ હવે સહનશક્તિની હદ થાય છે. વધુ પરીક્ષા ના લેતા. તમારો ભાઈધર્મ નિભાવો.