કોરોના વાયરસના લીધે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશભરના મંદિરો છેલ્લા અઢી મહિનાથી બંધ હતા. ત્યારે અનલોક 1ના બીજા તબક્કામાં દેશભરના મોટાભાગના મંદિરોના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના દ્વારા આજથી ખોલવામાં આવ્યા છે. ત્યારે વહેલી સવારે જ દર્શનાર્થીઓની મંદિરમાં દર્શન માટે લાઇન લાગી હતી. પરંતુ ભક્તોએ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
આજે સવારે મંગળા આરતી બાદ મંદિરના પ્રવેશદ્વાર ખોલાયા હતા અને આજે તમામ દર્શનાર્થીઓ છે તેમને થર્મલ સ્ક્રીનીંગ કરીને સેનેટાઈઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપાયો હતો.. લાંબા ગાળા બાદ દર્શનાર્થીઓએ મા અંબાના દર્શન કર્યા હતા.
જોકે 20-20ની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરી શકશે. કોરોના સંક્રમણ થાય નહીં તે માટે વહીવટી તંત્રએ વિશેષ વ્યવસ્થા કરી છે. 20 દર્શનાર્થીઓને ટોકન આપ્યા બાદ તેમને થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઈઝ કરવામાં આવશે. અને ત્યારબાદ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. ભક્તો સહિત દરેક માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. દર્શનાર્થીઓ કોઈપણ ચીજ વસ્તુઓ કે રેલિંગને પણ ન અડકે તેનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.
યાત્રિકો માટે દર્શનનો સમય સવારે 7.30થી 10.45, બપોરે 1થી 4.30 અને સાંજે 7.30થી 8.15 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
યાત્રાળુઓ તથા ગ્રામજનોએ દર્શન માટે યાત્રિક પ્લાઝાની બાજુમાંથી ટોકન કાઉન્ટર પરછી ટોકન લઈને જ પ્રવેશ કરી શકશે. ટોકન કાઉન્ટર પર તાપમાન ચકાસણી, માસ્ક અને યાત્રિક ગણતરીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
યાત્રાળુઓનાં સામાન અને પગરખાની વ્યવસ્થા શક્તિદ્વારની બહાર યાત્રીપ્લાઝામાં કરવામાં આવશે.
શક્તિદ્વારની બહાર યાત્રીપ્લાઝા ખાતેથી દર્શન માટે રેલીંગમાં પ્રવેશ મેળવવાનો રહેશે. અહીં થર્મલ ગનથી તાપમાન ચકાસણી, હાથ સેનેટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીને રાઉન્ડમાં ઉભા રહેવાનું રહેશે.
શક્તિદ્વાર ખાતે આરોગ્યને લગતી ચકાસણી કરવામાં આવશે.
શક્તિદ્વારથી અંદર પ્રવેશદ્વારમાં આધુનિક થર્મલ સ્કેનીંગ મશીનમાંથી યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે, અહીં મશીનમાં ઓટોમેટિક તાપમાન ચકાસણી, પ્રવેશાર્થીનો ફોટો સેવ થઈ જશે, માસ્ક સ્કેનીંગ, મેટલ ડીટેક્શન તેમજ યાત્રિક ગણતરી પણ થઈ જશે.