મુખ્યમંત્રી વિજય રુપાણીની સુરક્ષા માટે તૈનાત 3 પોલીસકર્મીઓને શુક્રવારના રોજ બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારના રોજ જ્યારે મુખ્યમંત્રી રુપાણીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યો હતો ત્યારે આ પોલીસકર્મીઓને ગાંધીનગરના ઈન્દ્રોડા સર્કલ પાસે તૈનાત કરવામાં આવ્યા હતા. આ પોલીસકર્મીઓની ઓળખ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જસવંતસિંહ અને જૈમલભાઈ મુલાભાઈ તેમજ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર જયંતિભાઈ મુળજીભાઈ તરીકે કરવામાં આવી છે. ગાંધીનગરના DySP વિજય પટેલ જણાવે છે કે, આ પોલીસકર્મીઓને મુખ્યમંત્રીની સુરક્ષા માટે ઈન્દ્રોડા સર્કલ પાસે તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ તે પોતાના વાહનમાં આરામ કરી રહ્યા હતા.વિજય પટેલે આગળ જણાવ્યું કે, જ્યારે તેમણે જોયું કે મુખ્યમંત્રીનો કાફલો નજીક આવી રહ્યો છે તે વાહનમાંથી બહાર આવી ગયા અને રોડ પર ડ્યુટી કરી રહ્યા હોય તેમ ઉભા થઈ ગયા. પ્રોટોકોલ અનુસાર, ઉચ્ચ પોલીસકર્મીઓ કંટ્રોલ રુમમાં CCTV કેમેરાની મદદથી સુરક્ષા પર નજર રાખી રહ્યા હતા. તેમણે જોયું કે પોલીસકર્મીઓ કાફલાને જોઈને પછી બહાર આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્દ્રોડા સર્કલ પાસેના આખા રસ્તા પર એક પણ એલર્ટ સુરક્ષાકર્મી તૈનાત નહોતો.પોલીસ ઓફિસરના જણાવ્યા અનુસાર, સિક્યોરિટી ચેક પોઈન્ટ બાબતે ઈન્દ્રોડા સર્કલ અત્યંત મહત્વનો વિસ્તાર છે, કારણ કે ત્યાં આજુબાજુ મોટા પ્રમાણમાં વૃક્ષો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 3 પોલીસકર્મીઓ માટે ઈન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પોલીસકર્મીઓને શુક્રવારના રોજ આવા ગેરજવાબદારીપૂર્ણ વ્યવહાર પાછળનું કારણ જણાવવાનું કહેવામાં આવ્યુ હતું, પરંતુ તે હાજર નહોતા રહ્યા માટે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.