મોદી અને અમિત શાહની હાજરીથી ગુજરાતમાં વહેલી ચૂંટણીની ફરી ચર્ચા શરૂ

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2017 (13:53 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજવાની શક્યતા ચર્ચાવા લાગી છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ સોમવારે સાંજે રાજકોટ પહોંચી ચૂક્યા છે અને ગુરુવાર સુધી તેઓ ગુજરાતમાં જ રહેશે. રાજકીય વર્તુળોમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં પાટીદાર, ઓબીસી, દલિત આંદોલનો ચાલી રહ્યાં છે.

એન્ટી-ઈન્કમબન્સીનું પ્રમાણ પણ વધ્યું છે. સમય જતાં તેમાં વધુ તીવ્રતા આવવાની સંભાવના છે ત્યારે 11મી માર્ચે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોના પરિણામો જો ભાજપની તરફેણમાં આવે તો ગુજરાતમાં તેની ઠેરઠેર જિલ્લા-તાલુકા કક્ષાએ ભવ્ય ઉજવણી કરીને તે માહોલનો રાજકીય લાભ લેવાના પ્રયાસ સ્વરૂપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે. વિધાનસભાનો કાર્યકાળ 22મી જાન્યુઆરી-2018માં પૂરો થાય છે. તે ગણતરીએ રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બર-2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. એમ મનાય છે કે, ગુજરાતના કોઈ નેતા આ વખતે ભાજપને વિજય અપાવી શકે તેમ નથી અને એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ ગુજરાતમાં પ્રચારની બાગડોર સંભાળશે. ગુજરાત ભાજપનો ગઢ છે અને તેને જીતવા માટે ભાજપના બંને મોવડીઓ કોઈ કચાશ છોડશે નહીં. સામાજિક આંદોલનો કે આમ આદમી પાર્ટીનો પડકાર હોય, પરંતુ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્પેટ બોમ્બિંગની જેમ ગુજરાતમાં જો માત્ર 15 દિવસ પણ ફરી વળે તો બાજી પલટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ સાથે ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓ અંગે મંથન કરવામાં આવશે તેવું સમજાય છે.
Next Article