ગુજરાતમાં વરસાદના હજી એક સપ્તાહ સુધી કોઈ એંધાણ નથી

Webdunia
બુધવાર, 20 જૂન 2018 (12:09 IST)
રાજ્યમાં લોકોને ગરમીથી છૂટકારો મેળવવા હજુ વધુ રાહ જોવી પડશે. ભારતીય હવામાન ખાતાના અધિકારીઓએ વધુ એકવાર નવી આગાહી કરતા જણાવ્યું કે ‘ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ ખેંચાય તેવી શક્યતા પ્રબળ બની છે. કેમ કે આગમી પાંચ દિવસ સુધી એવી કોઈ સીસસ્ટમ સક્રિય થવાની શક્યતા નહીંવત્ છે જેના કારણે વરસાદ પડે. તો આ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો પણ 40 ડિગ્રી ઉપર રહેશે જેના કારણે હજુ પણ થોડા દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે.’ હવામાન વિભાગના ગુજરાત પ્રદેશના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે, ‘આગામી પાંચ દિવસમાં વરસાદ આવે તે માટે કોઈ યોગ્ય સીસ્ટમ તૈયાર થઈ નથી. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કદાચ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ સરેરાશ સમગ્ર રાજ્યમાં વાતવરણ હજુ પણ સૂકું જ રહેશે. હા એ વાત બરાબર કે વરસાદ આ વખતે વહેલો આવવાનો હતો જેમાં મોડું થયું છે. પરંતુ તેને બિલકુલ અણધાર્યું ન કહી શકાય આમ પણ ગુજરાતમાં વરસાદ જૂન મહિનાના અંતમાં જ આવે છે.’તેમણે વધુમાં કહ્યું કે, ‘વરસાદ પાછોતરો ખેંચાતા આગામી થોડા દિવસ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.’ જ્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 18 જૂનના રોજ રાજ્યના કેટલાક ભાગમાં આવેલ વરસાદમાં સુરત અને વલસાડમાં ક્રમાનુસાર 8.4mm અને 7mm વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવા, ઓખા અને વેરાવળમાં ક્રમાનુસાર 3.2, 0.5 અને 0.2 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે.આ પહેલાના વર્ષો પર નજર નાખવામાં આવે તો 2016માં પહેલો વરસાદ 21 જૂનના રોજ નોંધાયો હતો. જ્યારે 2015માં 19 જૂનના રોજ પહેલો વરસાદ આવ્યો હતો. રાજ્યમાં પરંપરાગત રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા વરસાદની શરુઆત થાય છે ત્યાર બાદ અન્ય વિસ્તારોમાં વરસાદ આગળ વધે છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article