ગુજરાતમાં નહી વર્તાય રેમડેસિવિર ઇન્જેક્શન્સની તંગી, મળ્યો આટલો જથ્થો

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (22:35 IST)
ગુજરાતમાં  કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. આજે બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં 37,507 રેમડેસિવિર ઇન્જેક્શન્સ બજારમાં મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરવઠો મળી ગયો છે. એટલે હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર ઇન્જેક્શન્સની તંગી ન પડે એવું આયોજન કરાયું છે. 
 
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત મુજબનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે આજે સમગ્ર ગુજરાત માટે  રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય મળી રહ્યો છે.
 
અમદાવાદમાં આજે એક જ દિવસમાં 18,000 થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706,  વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે.
 
રેમડેસિવિર ઇન્જેક્શન્સની ક્યાંય અછત ન વર્તાય તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહી છે. આરોગ્ય વિભાગને આજે વધુ 35,000 ઇન્જેક્શન્સનો જથ્થો મળ્યો છે, જે જરૂરિયાત મુજબ જે તે જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની કોઈ તંગી ન વર્તાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article