રાજ્ય સરકારે ૨૦૧૭-૧૮માં પેટ્રોલ ઉપર વેટ અને સેસ પેટે ૩૯૯૧.૨૦ કરોડ અને ડીઝલ ઉપર વેટ અને સેસ પેટે ૮૮૮૩.૬૩ કરોડની આવક મેળવી છે. જે કુલ ૧૨,૭૭૪.૮૩ કરોડ છે. આ પ્રમાણે ૨૦૧૮-૧૯માં પેટ્રોલ અને ડીઝલ ઉપર સરકારે ૧૪૦૦૧.૩૦ કરોડની કરની આવક મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષના બે મહિનામાં જ સરકારને પેટ્રોલ-ડીઝલ ઉપર ૨૨૮૭.૪૯ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકાર આ વર્ષે નાગરિકોને પેટ્રોલ અને ડીઝલમાં રાહત માટે તેને ૧૮ ટકા જીએસટીના સ્લેબમાં લાવે. તેમાં જીએસટી લાગુ કરે તો નાગરિકોને વાર્ષિક ૩ ટકા જેટલી કર રાહત મળે તેમ એવું કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી-પીએનજી પર લેવાયેલા વેરા અંગેનો પ્રશ્ર્ન પૂછ્યો હતો જે અંગે શેખે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાતમાં જીએસટી લાગુ કરી દીધો છે પણ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી-પીએનજી પર આજેય વેટ અને સેસ વસૂલી કરોડો રૂપિયાનો બોજ ઝીંકાઈ રહ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીને પણ જીએસટીના દાયરામાં લાવવા જોઈએ જેથી પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ ઘટી શકે અને નાગરિકોને રાહત મળી શકે. દેશમાં હાલમાં મોટાભાગના પ્રોડક્ટને ૧૮ ટકા જીએસટીમાં આવરી લેવાયા છે તો પેટ્રોલ અને ડીઝલ કેમ નહીં ? હાલ રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ૧૭ ટકા વેટ અને ૪ ટકા સેસ મળી કુલ ૨૧ ટકા કર વસૂલી રહી છે. જેના બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં જીએસટી લાગુ કરવો જોઈએ જે માટે કેન્દ્ર સરકારને રજુઆત કરવી જોઈએ. ગુજરાતના નાગરિકો પેટ્રોલ અને ડીઝલ ઉપર ૨૧ ટકા જ્યારે સીએનજી-પીએનજી ઉપર ૧૫ ટકા કર આપે છે જે બોજારૂપ છે જેમાં સરકારે રાહત આપવી જોઈએ. પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની છે. વન નેશન વન ટેક્સ એવી ગુલબાંગો કેન્દ્રની ભાજપ સરકારે ફૂંકી હતી. દેશમાં એક ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરી હતી તો પછી શા માટે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાંથી બાકાત રખાયા છે તે મોટો સવાલ છે.