GTUએ 22મી જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષાઓ મોકૂફ રાખી, 23મીની રાબેતા મુજબ લેવાશે

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2024 (16:51 IST)
આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવને લઈને સરકારની કચેરીઓમાં અડધી રજાઓ આપવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં પણ અડધી રજા જાહેર કરાઈ છે. ત્યારે હવે રાજ્યની ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં 22મીએ લેવાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓ ભગવાન રામ મંદિરની ઉજવણી કરી શકે તે માટે પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીમાં  23મીએ લેવાનાર પરીક્ષા યથાવત રહેશે. આ સાથે 22 જાન્યુઆરીની મોકૂફ રખાયેલ પરીક્ષાની હવે નવી તારીખ જાહેર કરાશે. જીટીયુ દ્વારા રાજ્યની તમામ ટેકનિકલ કોલેજોને પરિપત્ર મોકલીને આ દિવસની પરીક્ષા રદ કરવામાં આવતી હોવાની જાણકારી આપી દેવામાં આવી છે. આ દિવસે લેવાનારી પરીક્ષા હવે પછી કયારે લેવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત એ કે, તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત રોડ શોના કારણે યુનિવર્સિટીએ બે દિવસની પરીક્ષા રદ કરી હતી. હવે ફરીવાર એક દિવસની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.23મીને મંગળવારે લેવાનારી પરીક્ષા યથાવત્ રહેશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ હાલમાં કેમ્પસમાં ચાલતાં એનિમેશન, ડિઝાઇન સહિતના કોર્સમાં આ દિવસે પરીક્ષા લેવાની હતી પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને આ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની જાણ કરી દેવામાં આવી છે. ઉજવણીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં પણ રંગોળી, દીપ પ્રાગ્ટય, રામધૂન, સુંદરકાંડનો પાઠ, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article