વેરાવળની એક્સિસ બેન્કમાં ધીરાણ સામે ગીરવી મૂકવામાં આવેલા એક જ સોનાનાં ઘરેણાં પર અનેક વખતે લોન લેવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંગે વેરાવળ પોલીસમાં બેન્કના જ ત્રણેય કર્મચારી સામે ગુનો દાખલ થયો છે. પોલીસે ત્રણેય કર્મચારીને ઉઠાવી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. એક્સિસ બેન્કમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા અને પોલીસના મતે મુખ્ય માસ્ટરમાઈન્ડ એવા માનસિંહ ગઢિયા તેમજ વિપુલ રાઠોડ અને પિન્કી ખેમચંદાણી આ ત્રણેય વ્યક્તિએ મળી અને પૂર્વ નિયોજિત કૌભાંડ આચાર્યું છે. ત્રણેયની પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
એક્સિસ બેન્કના ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર સહિત આ કર્મચારીઓએ સાચું ગોલ્ડ કાઢી નવા પાઉચ પર જૂના પાઉચની તમામ વિગત લખી અધિકારીઓની સહીઓ કરી નાખી હતી તેમજ પાઉચ ઉપરના દસ્તાવેજ રેકોર્ડ પણ ખોટા તૈયાર કરી એમાં પીળી ધાતુના ખોટા દાગીના મૂકી દીધા હતા.
આમ, આ લોકો બનાવટી કસ્ટમર ઊભા કરી તેના નામે નવી ગોલ્ડ લોન મંજૂર કરાવતા હતા અને તેમના દાગીનાના નામે લોન મેળવતા હતા.સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનસિંહ ગઢિયા શેરબજારનો મોટો સટોડિયો છે અને છેલ્લા દોઢેક વર્ષમાં તે શેરબજારમાં છથી સાત કરોડ જેવી રકમ ગુમાવી ચૂક્યો છે. આ ફ્રોડમાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને વધુ આરોપીઓની ધરપકડ પણ થાય એવી સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.