અમદાવાદમાં ઓનલાઈન ઠગાઈના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની 1859 ફરિયાદો નોંધાઈ છે. જેમાં અમદાવાદમાં જ 920 ઘટનાઓ બની હતી. ત્યારે બેરોજગાર બનેલા યુવકો લોકોને ઠગવા અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. લોક ડાઉન બાદ સમગ્ર દેશમાં અનેક સ્થળે યુવાનોની નોકરી જવાની ઘટના બની હતી. લોકો નોકરી નહીં રહેતા જે કામ મળે તે કરવા તૈયાર હતા. ત્યારે મધ્યપ્રદેશના 30 થી વધુ યુવાનોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને અનેક લોકોને છેતર્યા હતા.આ વાતની જાણ થતાં અમદાવાદ સાયબર ક્રાઇમે વોચ ગોઠવીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો.જેમાં એક બે નહી પણ 31 આરોપીઓ ઝડપાયા છે.
100 થી વધુ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગુજરાતના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરનારા અનેક લોકોને તાજેતરમાં મહેતા ઇકવિટી કંપનીના નામથી ફોન આવતા હતા.આ ફોન કરનાર લોકો પોતે શેરબજારમાં ટિપ્સ આપે છે. જેના કારણે તમારી મૂડી વધી જશે તેમજ સ્ટોક મેઇન્ટેન પણ કરી આપે છે. આવી વાતો કરીને આ ઠગ છેલ્લા ઘણા મહિનામાં અનેક લોકોના રૂપિયા પડાવી લીધા હતાં.આ ટોળકીએ ગુજરાતી નામ રાખીને ગુજરાતીઓને જ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે આ ટોળકીના 31 આરોપીને ઝડપી લીધા છે.તેની સાથે 100 થી વધુ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.