નારણપુરાના વરદાન ટાવરમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ વરદાન ઘટના સ્થળે દોડી ગઈ હતી. મકાનની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આજે વહેલી સવારે લાગેલી શોર્ટ સર્કિટ કે અન્ય કારણસર પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી હતી. ધૂમાડાના કારણે પાછળના ભાગે રહેતા સુનિલ ચૌધરીને ગુંગળામણ થવાથી બહાર નીકળી શક્યા ન હતાં અને ગુંગળાઈને બેહોશ થઈ ગયા હતા. આજુબાજુના લોકોએ ધુમાડા દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ કર્યું હતું. બહાર કાઢીને ચારેયને અલગઅલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ચારેયના સમયાંતરે મોત થયા હતા. પ્રોવિઝન સ્ટોરમાં લાગેલી આગે હસતા રમતા પરિવારને વિંખી નાંખ્યો હતો.