કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા

Webdunia
શનિવાર, 13 ઑગસ્ટ 2022 (13:47 IST)
આજે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. એમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટ પાસે ઘટી હતી.ગાયે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા થયાની માહિતી મળી છે. તેમને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article