Weather news- ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

Webdunia
સોમવાર, 20 માર્ચ 2023 (16:39 IST)
ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી હજી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા છે, તો અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
 
હવામાનવિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી માવઠાની આફત ટળી નથી, હજી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભવાના દેખાઈ રહી છે.
 
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ શરૂ થયો હતો, જે બાદ એકાદ અઠવાડિયાના વિરામ બાદ ફરી માવઠાની શરૂઆત થઈ ગઈ છે. હાલ સમગ્ર દેશમાં વરસાદ પડી રહ્યો છે.
 
ઉનાળાની શરૂઆતમાં જ સમગ્ર દેશમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રવી પાકની સિઝનમાં થયેલા આ વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાન થયું છે.
 
ગુજરાતમાં આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પર કમોસમી વરસાદનો ખતરો છે. હવામાનવિભાગે જે માહિતી આપી છે એ અનુસાર હજી રાજ્યમાં માવઠું બંધ થવાની શક્યતા દેખાતી નથી.
 
20 અને 21 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
22 માર્ચથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જે બાદ બે દિવસ સુધી કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
આ સિવાયના જિલ્લાઓમાં પણ કોઈ સ્થળે છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
 
ગુજરાતમાં હજી 24 માર્ચ સુધી કમોસમી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પણ આવનારા પાંચ દિવસો સુધી માવઠાની આગાહી કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article